હિજાબ, સમાજ અને ધર્મ


 હિજાબ, સમાજ અને ધર્મ

કર્ણાટકમાં કેટલીક ઘટનાઓ બની જેને લીધે રાજયસરકારે કેટલાક દિવસો માટે સ્કુલ-કોલેજ બંધ રાખવાનો નિર્ણય લેવો પડ્યો. ઘટનાઓને  રાજકીય, સામાજિક અને ધાર્મિક પરિપેક્ષ્યમાં જોઈ શકાય. રાજકીય પ્રોપોગોન્ડા મહત્વનું કારણ છે, પણ અહી સામાજિક-ધાર્મિક બાબતની વાત કરવી છે.

૧. સ્કુલમાં એકસરખો ગણવેશ હોવો જોઈએ તે બાબતે મોટાભાગે સમાજમાં મતભેદ નથી. કેટલાક નાના-મોટા ફેરફારો નિશાળો ચલાવી લેતી હોય છે. દા.ત ૧૯૮૦ના દાયકામાં અમારી નિશાળમાં છોકરીઓ માટે સ્કર્ટ અને બુશર્ટ, અને છોકરાઓ માટે ચડ્ડી અને બુશર્ટ ગણવેશ તરીકે હતો. કેટલીક રૂઢીચુસ્ત પરિવારની કે શરીરે ભારે દીકરીઓ મોટેભાગે સ્કર્ટ નીચે પાયજામો પહેરતી. તો કેટલીક દીકરીઓ છાતી ઢાંકવા ઓઢણું ઓઢતી, એક-બે મુસ્લિમ છોકરીઓ માથે પણ ઓઢતી, તો  પણ સંસ્થાને આ નાના મોટા ફેરફારોથી કોઈ અડચણ ન હતી. પછીના વર્ષોમાં તો પંજાબી ડ્રેસ અને ઓઢાણું સત્તાવાર ગણવેશ તરીકે આવ્યો. વાલી-વિદ્યાર્થીઓ સાથે ગણવેશ અંગેની કોઈ ચર્ચા વગર જ તે ગણવેશ દાખલ થયો, બધાએ સ્વીકાર્યો પણ ખરો, તે સમયે સમાજમાં પંજાબી ડ્રેસ આજની માફક ચલણમાં ન હતો છતાં મર્યાદા જળવાય તેવો ગણવેશ હતો તેમ સૌને લાગતું. સ્કર્ટમાં રમત-ગમત વખતે દીકરીઓ સંકોચ અનુભવતી. છોકરાઓનો ગણવેશ પણ પેન્ટ શર્ટ થઇ ગયો.(રાષ્ટ્રીય સ્વયં સંઘે પણ તાજેતરમાં ચડ્ડીમાંથી પેન્ટમાં પ્રવેશ કર્યો)

૨. કર્ણાટકમાં શરૂઆતમાં જે છ વિદ્યાર્થીનીઓને ક્લાસ બહાર રાખવામાં આવી એમને ગણવેશ પ્રમાણે પાયજામો, ટોપ અને ઓઢણી તો પહેરી હતી પણ ઓઢણીને હિજાબ સ્વરૂપે માથે અને ગળે વીંટી હતી, રંગ જુદો ન હતો. રંગની એકસુત્રતા હતી, ફરકએ હતો કે હિન્દુ દીકરીઓએ ઓઢણી માથે ન હોતી વીંટી કે ઓઢી, પણ દુપટ્ટાની માફકરાખી હતી. આ ફરકનો કેટલાક લોકોએ વિરોધ કર્યો અને સ્કુલના આચાર્યે એમને સ્કુલમાં પ્રવેશ ન આપ્યો. વિદ્યાર્થીનીઓ દિવસો સુધી સ્કુલે આવી અને બહાર બેઠી, જેને મિડિયા કવરેજ મળ્યું. પછીતો હિન્દુ સંગઠનોએ ઠેરઠેર વિરોધ શરુ કર્યો. કોલેજોમાં જ્યાં મુક્ત ગણવેશ હતો ત્યાં પણ હિજાબ-બુરખાનો વિરોધ શરુ થયો. કાળા નીકાબ (હિજાબ, ચદ્દર,  નીકાબ, બુરખા- વિષે જાણી લેવું, એમાં હિજાબ સૌથી લિબરલ સ્વરૂપ છે) પહેરેલ એકલી સ્કુટી પર આવેલ મુસ્કાન નામની વિદ્યાર્થીનીને કેટલાક ભગવા ખેસધારી વિદ્યાર્થીઓ કે કાર્યકરોએ જય શ્રી રામના સુત્રો બોલી વિરોધ કર્યો તેને સામે અલ્લાહુ અકબર કહી સામનો કર્યો, શિક્ષકોએ મામલો સારીરીતે સાંભળ્યો પછીતો મિડિયા પણ કૂદયું. કેટલાક રાજકારણીઓ તો એમ પણ બોલ્યા કે 'હિજાબ-બુરખા પહેરવા હોયતો પાકિસ્તાન ચાલ્યા જાવ.', તથા " નિશાળ એ સેક્યુલર જગ્યા છે, ત્યાં ધાર્મિક પહેરવેશ નહિ ચાલે" સામે પક્ષે' સ્ત્રી સ્વંત્રત છે એને જે પહેરવું હોય તે પહેરે' , 'અમને બંધારણમાં પહેવેશનો ધાર્મિક અધિકાર મળેલ છે', વગેરે નિવેદનો થયા. 

સવાલ એ થાય છે કે શું આપણી નિશાળો ધર્મ નિરપેક્ષ કે ધર્મ નિષેધ છે. 

૩. અમેરિકામાં ધાર્મિક પ્રાર્થના નથી થતી પણ વિદ્યાર્થીને સંકુલના અનુરૂપ રંગનો ગણવેશ ફરજીયાત છે. હિજાબ પર પ્રતિબંધ નથી મુસ્લિમ-શીખ-યહૂદી પોતાના ધર્મ પ્રમાણે ગણવેશને એકરૂપ રંગનો પોષક પહેરી શકે છે, પણ બધા મુસ્લિમ કે યહૂદી ધાર્મિક પોષાક નથી પહેરતા, પણ જે પહેરે છે તેના વિષે બધા વિદ્યાર્થીઓને માહિતી અપાય છે અને એમની સાથે કોઈ ગેરવર્તાવ ન થાય તેનું ધ્યાન રાખવામાં આવે છે. ફ્રાન્સમાં જાહેર જગ્યાઓ પર ધર્મના પ્રતોકો પર પ્રતિબંધ છે, રાજકારણીઓ પણ ધર્મના નામનો કે પ્રતીકોનો ઉપયોગ નથી કરી શકતા. અમેરિકા અને ફ્રાન્સમાં અન્ય ધર્મોના નાગરિકો ઘણા ઓછા પ્રમાણમાં છે, તથા તેમના કાયમી રહેઠાણો ખાસ્સા મોડા થયા. ભારતમાં મુસ્લિમો સદીઓથી છે, એક મોટી લઘુમતી તરીકે તેને ધાર્મિક-સામાજિક અધિકારો બંધારણની રચના સમયે જ આપવામાં આવ્યા છે. ભારતનું બંધારણ નાગરિકના વ્યક્તિગત અને સામુહિક અધિકારોનું રક્ષણ કરે છે. ભારત એક ધર્મ નિષેધ નહિ, પણ ધર્મ નિરપેક્ષ રાષ્ર્ગ તરીકે બંધારણમાં આલેખાયું છે.

૪. આપણી મોટાભાગની નિશાળોમાં પ્રાર્થના એક યા બીજા ધર્મની હોય છે, કહેવાતી સેક્યુલર સ્કૂલોમાં હિન્દુની પ્રાર્થના, હિન્દુ દેવી-દેવતાના ફોટા પૂજા, મૂર્તિઓ સામાન્ય છે. ધાર્મિક લઘુમતીની સ્કુલોમાં જેતે ધર્મના પ્રતીકો હોય જ છે. કેટલાક વિદ્યાર્થીઓ તિલક, ચાંદલા, શિખા, જનોઈ, માળા, પાઘડી, ટેટુ, ટોપી રૂપે ધાર્મિક પ્રતીકો ધારણ કરતા જ હોય છે. આમ, ભારતની સ્કૂલો ફ્રાન્સ અને અમેરિકાની સ્કુલોથી અલગ જ રીતે ધાર્મિક પ્રતીકોનો સ્વીકાર કરે છે, જેને લઇ કોઈ વિવાદ થયાનું જાણ નથી. તો પછી ગણવેશને અનુરૂપ રંગના હિજાબનો વિરોધ શા માટે? બીજું કે કોલેજમાં મુક્ત ડ્રેસ હોય છે, દરેક પોતાની પ્રણાલી અને સંસ્કાર પ્રમાણે કપડાં પહેરે છે. કોલેજ કક્ષાએ ગણવેશ થોપવો કેટલે અંશે યોગ્ય?

૫. કેટલાક એવી દલીલ કરે છે કે હિજાબ એ સ્ત્રી પરના દમનનું પ્રતિક છે, પુરુષવાદી સમજે તેને બંધનમાં રાખવા ધર્મનો આધાર લઇ તેના પર નિયમન રાખ્યું છે. એનો ઇનકાર નથી. પણ અહી હિજાબનો વિરોધ સામાજિક સુધારા માટે થઇ રહ્યો છે? શ્રી રામના નારા લગાવી, ડરાવી ધમકાવી સામજિક સુધારા શક્ય છે ખરા? કે પછી હિજાબ પહેરીને આવતી, એકલ પંડે સ્કુટી ચલાવતી, હિન્દુબહુલક વિસ્તારમાં, હિન્દુબહુલક વિદ્યાર્થીઓ સાથે સેક્યુલર શિક્ષણ મેળવતી મુસ્લિમ વિદ્યાર્થીની ધીરે ધીરે પોતાના ધાર્મિક-સામાજિક બંધનોમાંથી મુક્ત થાય તે માટે સભાનપણે સંવાદ રચાવો જોઈએ?

૬. એક મુસ્લિમ દિકરી, જયારે હિન્દુબહુલક વિસ્તારમાં, હિન્દુબહુલક વિદ્યાર્થીઓ સાથે સેક્યુલર શિક્ષણ મેળવવાનો ઈરાદો જાહેર કરે છે ત્યારે એના માટે એક બળવો જ હોય છે. એ કેટલાક બંધનોનોનો સ્વીકાર પોતાના શિક્ષણ માટે કરતી હોય છે. એનો સમાજ હિન્દુસમાજ જેટલો કદાચ ખુલ્લો નથી જ, તો એની સાથે સહાનુભુતિ રાખવાની કે ધિક્કાર? સમાજો સુધારતા યુગો લાગતા હોય છે, અસ્પૃશ્યતા, દહેજ પ્રથા કે ઘૂંઘટપ્રથામાંથી સમાજ હજુ બહાર આવી શક્યો છે ખરો? વળી, કેટલીક દીકરીઓ પોતે ધાર્મિક પ્રકૃતિની હોવાથી હિજાબ-નીકાબ પહેરતી હોય છે, એ. આર, રેહમાનની એક દિકરી ચુસ્ત ઇસ્લામિક ડ્રેસ પહેરે છે તો બીજી દિકરી જીન્સ-ટીશર્ટ, એની ચોઈસનો સ્વીકાર હોવો જોઈએ. કોઈ એના પર થોપે તો ટીકા જરૂર થવી ઘટે.

૭. અહી હું મિત્ર, ડો એઝાઝની કોમેન્ટ પણ કવોટ કરું છું એ કહે છે:

"ધાર્મિક કટ્ટરતા જેવો અફીણનો નશો ધીરે ધીરે વૈજ્ઞાનિક આધુનિક શિક્ષણ અને ભૌતિક સુખાકારી ના સમન્વયથી ઉતારી શકાય છે. સરકારોએ આ દિશામાં સતત પ્રયાસો કરવાના હોય અને ધીર ધીરે પરિણામો દેખાય. Change is a gradual process. પણ તાકત (force) થી નશો ઉતારવા જશો તો નશો વધશે. અફઘાનિસ્તાનમાં સામ્યવાદી સરકારના પતનના કારણોમાં આ એક મોટું કારણ હતું. હું એવું માનું છુ કે વિશ્વમાં ધર્મની રાજનીતિ મહિલાઓ જ ખતમ કરશે, કારણ કે એની સૌથી મોટી પિડીત મહિલાઓ જ છે. પણ એના માટે મહિલાઓ ને શિક્ષણની તકો મળે, સહેલાઇથી મળે, અને એમનું આર્થિક સશક્તિકરણ થાય ઍ પૂર્વશરત છે. મહિલાઓને હિજાબ કે બીજા કોઇપણ કારણસર શિક્ષણ સંસ્થાનોમાંથી કાઢી મુકવી એ ઘોર અન્યાય છે. એના કરતા આપણે બધાંએ મળીને શિક્ષણની ગુણવત્તા વધે, મહિલાઓને શિક્ષણ સંસ્થાનોમાં જાતિય સતામણીનો અનુભવ ના કરવો પડે, જેવા બીજા ઉપાયોની વકાલત કરવી જોઈએ. એક શિક્ષણ સંસ્થામાં ભાત ભાતના ધાર્મિક પ્રતિકો હોય જ છે, એ બધા ને હટાવીને યુવાનોને પ્રતિક્રિયાવાદી બનાવવા કરતાં યુવાનો વિજ્ઞાનવાદી કઈ રીતે બને એની મથામણ કરવી પડશે, આપણે બધાએ મળીને."


૮. કેરલા કોર્ટે હિજાબને સ્કુલોમાં ધાર્મિક ફરજના ભાગરૂપે મંજુરી આપી જ છે. આમછતાં, હજારો દીકરીઓ આ ધાર્મિક-સામાજિક બંધનથી મુક્ત પણ છે, કેટલીકવાર તે વ્યક્તિગત ચોઈસ કે પરિવારની પરંપરાનો વિષય રહ્યો છે. કેટલાક મૌલવીઓ તો રોજ અને ઘરની બહાર નીકળો ત્યારે ફરજીયાપણે હિજાબ નહી પણ બુરખો પહેરવાનું કહે છે, તથા સેક્યુલર શિક્ષણનો દીકરીઓ માટે વિરોધ કરે છે, તે દીકરીઓ  માટે તો સ્કુટી લઇ, માત્ર  હિજાબ પહેરી નિશાળે આવવું એ પણ પેલા મુલ્લા સામે બળવો છે, આ બારીકાઇ ન સમજાય કે ન  પકડાય તો......આપણે એકબીજા સમાજને નથી જાણતા-ઓળખતા એમ સમજવું. મુક્તિનું શિક્ષણ ધીરે પણ મક્કમ ફેરફાર લાવશે, પછી જે થશે તે થોપાશે નહિ પણ પસંદગી પ્રમાણે હશે. શિક્ષણ પરથી નજર હટી તો પછી 'ધર્મ' તો દરેકને પકડવા તૈયાર છે, હિન્દુ હોય કે મુસલમાન. 

ઇલીયાસ મનસુરી

Addition:

કેટલાક મનોવૈજ્ઞીક કારણોસર દરેક લઘુમતી સમાજ, દેશ અને દુનિયામાં પોતાની ઓળખ પ્રસ્થાપિત કરવા ઈચ્છે છે. ફૈઝાન મુસ્તુફા , જાણીતા બંધારણવીદ એમ માને છે કે દુનિયાના રાઈટવીંગ(હિન્દુ-મુસ્લિમ-ખ્રિસ્તી-યહુદી બધા જ)મજબુત આંદોલનને પરીણામે જે લઘુમતી બહુમતી સાથે એકરસ લાગતી હતી તે હવે જુદા લાગવા માટે મથી રહી છે. મને આ વાતમાં કંઈક અંશે દમ લાગે છે, કારણકે જ્યારે હું ગુજરાતના એકસમયના લીબરલ મુસ્લિમોની વાત કરુ તો ગામડામાં સાડી પહેરનાર, હિન્દુ તહેવારોને પોતીકા સમજી ઉજવતો, તથા હિન્દુઓની ધાર્મિક લાગણીને સન્માન કરનાર હતા પણ જ્યારે ભારતમાં 1990ના દાયકાથી વેગ પકડેલ હિન્દુ નેશનાલીઝમ ના પરીણામ સ્વરૂપે હિસા-પ્રતિહિંસાની ઘટનાઓ બની. પરીણામ એ આવ્યું કે લીબરલ અને એકરસ થયેલ મુસ્લિમોને પણ વેઠવું પડ્યું. તેમને સલામતી માટે પણ મુસ્લીમ બહુલ વિસ્તારોમાં નિવાસ બદલવા પડ્યા. એ પરિસ્થિતિનો લાભ રાઈટવીંગ મુસ્લીમ ધાર્મિક સંગઠનોએ ઉઠાવ્યો. 'તમે એકરસ હતા તો પણ તમને શું મળ્યું?' વહાબીઝમ મજબુત બન્યું. કેટલાક મુસ્લિમો બદલાતા આ પ્રવાહોનો સામનો કરી શક્યા કેટલાક વહી ગયા. એવું હિન્દુ સમાજમાં પણ બન્યુ, ધાર્મિક-સામાજિક સંગઠનો, સંપ્રદાયોનો પ્રભાવ વધ્યો.ધર્મને assert કરવાની ટેવ હવે દરેકની બની, એક યા બીજા પ્રતિકોનો ઉપયોગ બધા કરતા થયા છે. (આ પ્રતિકો ક્યા અને કેવા હોવા જોઈએ તેની કોઈ ચર્ચા સમાજ નથી કરતો) આ કામ દરેક ધાર્મિકસમાજ કરી રહ્યો છે ત્યારે માત્ર મુસ્લિમોને દોષ આપવાથી સમસ્યાનો ઉકેલ નથી આવવાનો... લઘુમતિ છે માટે સમાધાન કરી લેવું જોઈએ કે સમજી લેવું જોઈએ એ બાબત લીબરલ ડેમોક્રેસીમાં ઠીક નથી, પછી coercive technique થી એને ચૂપ કરી શકાય પણ અસંતોષ રહે, જે એક પ્રકારનું alienation ઊભુ કરે છે, જે રાષ્ટ્ર કે સમાજના આધુનિક નિર્માણ માટે બાધારુપ બને. આ પણ એક મત છે, સહજ ચર્ચાના આશયથી મુક્યો છે.

તદ્ઉપરાંત, સ્કુલના ગણવેશમાં, દેખાવમાં, સ્કુલમાં ધાર્મિક-સામાજિક કાર્યક્રમો એકસુત્રતા માટે બૃહદ ચર્ચા થવી જોઈએ. હું એકસુત્રતાના પક્ષમાં છુ, પણ સંવાદથી આવકારેયલ એકસુત્રતામાં મજા આવે, થોપેલીમાં નહીં

Comments

Popular posts from this blog

'મુઝફ્ફરનગર બાકી હૈ ...'

હક્કાની કોણ છે? હક્કાની નેટવર્ક શું ચીજ છે?