'મુઝફ્ફરનગર બાકી હૈ ...'

 


'
મુઝફ્ફરનગર બાકી હૈ ...'

પ્રિય સૌ,

મેં સોશિયલ મીડિયા પર છેલ્લા કેટલાક દિવસોમાં એવી ઘણી પોસ્ટ્સ વાંચી છે, જ્યાં લોકો રાકેશ ટીકૈતની બાબતે આશંકાઓ અને ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. તેમાંથી મોટાભાગનો ગુસ્સો મુઝફ્ફરનગર અને શામલી જિલ્લાઓમાં 2013ની સાંપ્રદાયિક હિંસામાં બીકેયુ (ભારતીય કિસાન યુનિયન)ની બેજવાબદાર ભૂમિકાને ધ્યાનમાં રાખીને  છે. પશ્ચિમ ઉત્તરપ્રદેશમાં એ પાગલપન(કોમી તોફાનો)ને થયે  સાડા સાત વર્ષથી વધુ સમય વીતી ગયો છે. ત્યારબાદ લોકોએ બી.કે.યુ. ને વિભાજિત થતું પણ જોયું અને ઘણા નવા જૂથો પણ ઉભરતા જોયા છે. બીકેયુનું એક નોંધપાત્ર વિભાજન એ ગુલામ મોહમ્મદ જૌલાનું  અલગ થવું હતું. ગુલામ મોહમ્મદ જૌલા બીકેયુના સૌથી મોટા મુસ્લિમ નેતા હતા અને બાબા ટિકૈટ (મહેન્દ્ર ટિકૈટ)ના  જમણા હાથ તરીકે જાણીતા હતા.

રસપ્રદ વાત એ છે કે, એકવાર 2014 માં અજીતસિંહ અને જયંત ચૌધરીની લોકસભાની ચૂંટણીમાં હાર થયા પછી, આ પ્રદેશમાં ઘણા બુજુર્ગ જાટ ખાસ્સા નિરાશ હતા. તેમાંથી ઘણા લોકો 'હમને ચૌધરી સાહબ કો કૈસે હરા દિયા' કહી વ્યથા વ્યક્ત કરતા હતા. યુવા પેઢી જે 2013ની હિંસામાં સામેલ થઈ હતી તેનાથી જૂની પેઢી ખાસ્સી નારાજ હતી. ખાનગીમાં તેઓ ઘણી વાર કહે છે કે, ‘હવે આપણા યુવાનોને ખબર પડી ગઈ છે કે તેઓ ક્યાં ખોટા હતા'. સમુદાયના બધાજ વડીલો હિંસામાં સામેલ ન હતા તેવું અહીં કહેવું નથી. પરંતુ જેઓએ બીકેયુ અને આરએલડીનો(ચૌધરી ચરણસિંઘના રાજકીય પક્ષનો) સુવર્ણકાળ જોયો હતો, તેઓ આ ગાંડપણની નિરર્થકતા સમજી ગયા હતા. તેઓ એ પણ સમજી ગયા હતા કે આ પ્રદેશના મુસ્લિમો તેમના રાજકીય અસ્તિત્વનો એક અવિભાજ્ય ભાગ છે. (આ ક્ષેત્રમાં મુસ્લિમોની અંદર જાતિના વિરોધાભાસ છે,પણ તે ચર્ચાનો બીજો મુદ્દો છે.) વિપિનસિંઘ બલિયાન જેવા કેટલાક સ્થાનિક કક્ષાના જાટ નેતાઓએ હિંદુ-મુસ્લિમ અણબનાવને દફનાવવાના પ્રયત્નો કર્યા હતા. આવા પ્રયત્નો પ્રશંસાજનક હોવા છતાં, પશ્ચિમ યુપીમાં બની ગયેલા નફરત અને કડવાશના સમુદ્રમાં માત્ર નાના ટીપા સમાન હતા.

રમખાણો પછી આશરે પાંચ વર્ષે, છેવટે સંયુક્ત હિન્દુ-મુસ્લિમ કિસાન પંચાયતોની રચના થઈ, જેની આગેવાની ઠાકુર પૂરણસિંહ, ગુલામ મોહમ્મદ જૌલા વગેરે લોકો દ્વારા કરવામાં આવી હતી.

2019 લોકસભાની ચૂંટણીઓ પૂર્વે રાકેશ ટીકૈતના નેતૃત્વમાં એક વિશાળ રેલી થઇ હતી, જે ખેડુતોની 10 માંગણીઓ સાથે દિલ્હી આવી હતી. તે રેલીમાં હિન્દુ અને મુસ્લિમ બંને ખેડુતોએ ભાગ લીધો હતો. અન્ય ઘણા યુનિયનોએ આંદોલનને સમર્થન આપ્યું હતું. દિલ્હી ફરીથી ઘેરામાં હતું. જો કે, બધી માંગણીઓ પૂર્ણ કરવામાં ન આવી હોવા છતાં, અંદોલન સંકેલી લેવાયું હતું. ઘણા લોકો અસ્વસ્થ હતા. ઘણાને લાગ્યું કે રાકેશ ટીકૈત ભાજપ દ્વારા ખરીદાઈ ગયા.

2019 પછી પણ બીકેયુના નેતૃત્વમાં મુઝફ્ફરનગર અને શામલી જિલ્લામાં ઘણા વિરોધ પ્રદર્શન થયા હતા. રસપ્રદ વાત એ હતી કે વિરોધ પ્રદર્શનમાં ઘણા મુસ્લિમ ખેડૂતોની હાજરી હતી. ઘણા મુસ્લિમ આગેવાન બીકેયુના હોદ્દેદારો પણ હતા. તે સ્પષ્ટ હતું કે રાકેશ ટીકૈત બીકેયુને પુનર્જીવિત કરવા માટે ખૂબ પ્રયાસ કરી રહ્યા હતા અને દેખીતી રીતે જ મોટાભાઈ નરેશ ટીકૈતને હોંશિયામાં ધકેલવામાં આવ્યા હતા. 2013ની મહાપાંચાયતમાં, ભાજપે બીકેયુ મંચને સંપૂર્ણ હાઈજેક કરી દીધો હતો, તે કામ કરનાર નરેશ ટીકૈત જ હતા, જે ભાજપના નેતાઓ સાથે સ્ટેજ પર જોવા મળ્યા હતા. 2013 ની હિંસા પછી પણ તેમણે ભડકાઉ નિવેદનો આપવાનું ચાલુ રાખ્યું હતું. છેલ્લા 2-3 વર્ષમાં, એવું લાગે છે કે રાકેશ ટીકૈતે કિસાન યુનિયનની લગામ સંભાળી લીધી છે અને સાંપ્રદાયિક રાજકારણના કારણે નરેશ ટીકૈતને બાજુમાં ધકેલ્યા છે, આ બંને ટીકૈત ભાઈઓ વચ્ચે વૈચારિક ઘર્ષણ છે કે વ્યૂહાત્મક ચાલ, તે તો ફક્ત તેઓ જ જાણે.

છેવટે, એકવાર કૃષિબીલના વિરોધીઓ દિલ્હીની સીમા પર પહોંચ્યા, દરેકની નજર ગાજીપુર બોર્ડર પર પણ હતી. પશ્ચિમ યુપી તેની ખેતીની ગતિવિધિઓ માટે જાણીતો પ્રદેશ છે,પણ તે પ્રદેશના ખેડૂતો તીવ્રતા અને ઉત્સાહ સાથે અંદોલનમાં શા માટે ન જોડાયા ? સાચું તો એ છે કે ઘણા લોકો આંદોલનમાં જોડાવા માટે ખૂબ ઉત્સુક હતા, પણ રાકેશ ટીકૈત પર પુરતો વિશ્વાસ ન હતો. ઘણાને આશંકા હતી કે તે ભાજપના એજન્ટ છે અને કોઈપણ મિનિટે પલટાઇ જશે.

જો કે, ગાઝીપુર સરહદ પર 27 મી તારીખે બનેલી ઘટનાઓએ તે ધારણા બદલી નાખી. ગાઝીપુર બોર્ડરથી વિરોધ કરી રહેલા ખેડૂતોને દૂર કરવા માટે એક મોટી પોલીસ ટુકડી નીકળી હતી. રાકેશ ટીકૈતે એક વીડિયો સંદેશથી રડતાં રડતાં ખૂબ જ ભાવનાત્મક અપીલ કરી. પચાસ પચાસ દિવસથી અડીખમ રહીને આંદોલન કરી રહેલા પોતાના ખેડૂતનેતાને આ રીતે રડતો જોઈ પશ્ચિમ યુપીના ખેડુતોમાં અચાનક જ એક ગુસ્સો અને જુસ્સો ફૂટ્યો. રાકેશ ટીકૈતની સૌથી વધુ મહત્ત્વની બાબત એ હતી કે એમણે એક વખત ભાજપને ટેકો આપ્યો હોવાના ‘અપરાધ’નો સ્વીકાર કર્યો હતો. ભાજપને ટેકાના નિર્ણયથી એમને હંમેશા પસ્તાવું પડયું હતું, એવું એમણે નિવેદન કર્યું. તે રાત્રે જ મુઝફ્ફરનગર જિલ્લાના સિસોલી ગામમાં ટીકૈતના ઘરની બહાર હજારો લોકો એકઠા થ[ ગયા. બે દિવસ પછી, 29 જાન્યુઆરી, 2021ના રોજ મુઝફ્ફરનગરમાં ઐતિહાસિક મહાપંચાયત યોજાઈ. હજારો લોકોએ આ મહાપંચાયતમાં ભાગ લીધો.

પંચાયતના મુખ્ય વક્તાઓમાં એક ગુલામ મોહમ્મદ જૌલા પણ હતા. તેમણે એકપણ શબ્દ ચોર્યા વગર પંચાયતને જાહેરમાં કહી દીધું . 'તમે અત્યાર સુધીની બે સૌથી મોટી ભૂલો કરી છે'. તેમણે કહ્યું, 'એક, તમે અજિતસિંઘને પરાજિત કર્યા, અને બે, તમે મુસ્લિમોને માર્યા'. રસપ્રદ વાત એ હતી કે તેમને બોલતા બંધ કરવાનો કોઈ પ્રયાસ થયો ન હતો. લોકો એકદમ મૌન. આત્મનિરીક્ષણ. અન્ય વક્તાઓએ કહ્યું હતું કે 'અમે ક્યારેય હવે ભાજપની વાતોથી દોરવાઈશું નહીં'. ભાજપનો બહિષ્કાર કરવો એ આ ઐતિહાસિક પંચાયત માટે ખૂબ જ દુર્લભ નિર્ણય હતો. કિસાન મહાપંચાયતોએ જાહેરમાં કોઈ રાજકીય પક્ષને નકાર્યો હોય તેવો બનાવ ભાગ્યે જ જોવા મળે છે. મંચ પર જ જયંત ચૌધરી ગુલામ મોહમ્મદ જૌલાને પગે લાગ્યા અને નરેશ ટીકૈત ગળે મળ્યા.

આજે બાજપત, મુઝફ્ફરનગર, શામલી, મેરઠ વગેરે જિલ્લાઓમાંથી ગાઝીપુર સરહદે ખેડુતોના સમર્થન માટે આધાર ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે, ત્યારે લોકો કહેતા સંભળાય છે કે. '2013 એ એક મોટી ભૂલ હતી'. 'ભાજપે અમારા ક્રોધનો દુરુપયોગ કર્યો,' ‘2013ની પરિસ્થિતિ માટે ભાજપ અને સપા જવાબદાર છે'. અને સૌથી અગત્યની વાત લોકો એ કરે છે કે, '2013માં પશ્ચિમ ઉત્તરપ્રદેશમાં ભાજપનો વિકાસ મુઝફ્ફરનગર રમખાણોને કારણે થયો, તેનું પતન પણ તે જ મુઝફ્ફરનગરમાંથી શરૂ થશે’.  બીકેયુના સૌથી પ્રખ્યાત સૂત્રો 'હર હર મહાદેવ, અલ્લાહુ અકબર', જે 1988માં બોટ ક્લબમાં ગુંજી ઉઠ્યા હતા, તે ટૂંક સમયમાં પાછા આવી શકે છે.

શું આ ખેડૂત અંદોલન સરળતાથી ભૂતકાળને ભૂંસી નાખેશે ? શું આ 2013 કોમી રમખાણોના ઘાને રુઝવશે ?

મારી પાસે જવાબ નથી.

શક્ય છે અને નથી પણ, તે રમખાણોમાં ૬૦,૦૦૦ મુસ્લિમો વિસ્થાપિત થયા હતા. તેઓ ક્યારેય તેમના વતની ગામોમાં પાછા નહીં ફરી શકે. અત્યારે આંદોલન કરી રહેલા ઘણા લોકો 2013માં થયેલી હિંસા માટે પણ જવાબદાર હતા, પરંતુ તેમને વ્યક્ત કરેલ અફસોસ તેમને ક્લીનચીટ આપાવશે ખરો ? શું આ વ્યાજબી સમાધાન છે ? મને ખબર નથી. મને એ ખબર છે કે, પશ્ચિમ યુપીએ 2013ની હિંસાને લીધે ભારે હાલાકી વેઠવી પડી હતી.પ્રભાવ ગંભીર છે. ઘણા હજુ વેઠે છે. જો 2013ના રમખાણો ન થયા હોત તો મુખ્યમંત્રી તરીકે યોગી કદાચ ન હોત, અને કદાચ મોદી પણ વડાપ્રધાન તરીકે ન હોત. મને લાગે છે કે પશ્ચિમ યુપીની તાજેતરની ઘટનાઓ પશ્ચિમ યુપીના રમખાણગ્રસ્ત ભાગોમાં મલમપટ્ટી બનશે અને શાંતિ પાછી લાવવામાં મદદરૂપ થશે. હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચેના વ્યક્તિગત સંબંધોમાં પડેલી ખાઈ પુરાતી જોવા મળશે. એમ નથી કહેવું કે આ અંદોલન બધું બદલી નાખશે. પરંતુ આવા દરેક નાના-મોટા પગલાંથી જ સદભાવના માટે આગળ વધાતું હોય છે.

જ્યારે ઘણા લોકો હજુ પણ રાકેશ ટીકૈત વિશે આશંકાઓ ઉભી કરે છે, અને કદાચ તે સાચા પણ હોય, હું ધીરજ રાખવાની અપીલ કરું છું. આ મુશ્કેલ સમય છે, અને આવા મંથન નિર્ણાયક હોય છે. ભાજપે ભારતને જે નુકસાન કર્યું છે તે સુધારવામાં બહુ સમય લાગશે. ઘણીવખત કેટલીક બાબતો વિરોધાભાસથી ભરપૂર પણ હોય છે,પણ આવેગજનક પ્રતિક્રિયાઓ કોઈને મદદ કરતી નથી.

પશ્ચિમ યુપીમાં હજી પણ ઘણી ‘ફોલ્ટ લાઇનો’ અસ્તિત્વમાં છે. પંજાબમાં ‘હિંસાવાદી’ ખેડૂત યુનિયનો ઘણા દાયકાઓથી સક્રિય છે, જયારે હરિયાણા અને પશ્ચિમ યુપી (બીકેયુ સહિત), ખેડુતોને એકત્રીત કરવા ખાપ પંચાયતો પર આધાર રાખે છે. સામંતવાદી વલણ તૂટવામાં સમય તો લેશે. પરંતુ 29મી એ મળેલ મહાપંચાયત એ સમાજના લોકશાહીકરણ માટે એક નાનું પણ નોંધપાત્ર  પગલું હતું.

લેખક: નકુલ સિંઘ સોહની 

અનુવાદ: ઇલીયાસ મનસુરી

 

Comments

Popular posts from this blog

હક્કાની કોણ છે? હક્કાની નેટવર્ક શું ચીજ છે?