મારા હિન્દુ ધર્મી સબંધીઓ અને મારો પરિવાર....
મારા હિન્દુ ધર્મી સબંધીઓ અને મારો પરિવાર....
ઇલીયાસ મનસુરી
જીવનના ૩૨ વર્ષ સુધી હિન્દુ બહુમત મહોલ્લામાં રહેવાનું થયું. મિત્રો, પડોશીઓ,
સહકર્મીઓ, ગુરુઓ અને વિદ્યાર્થીઓ બહુધા હિન્દુ રહ્યા છે. હિન્દુ જીવન પધ્ધતિને
નજદીકથી નિહાળવાનું બન્યું છે. ભારતીય જીવન પધ્ધતિને હિન્દુ જીવન પધ્ધતિથી અલગ કરી
શકાય તેમ નથી. મારા દીકરાનો જન્મ હિન્દુ કુટુંબના ત્યાં થયો. પત્ની ઇસ્લામ ધર્મ
પાળનાર, પણ બાળકના જન્મ પ્રસંગે રાજકોટના બ્રાહ્મણ પરિવારને ત્યાં રોકાયા હતા.
મિત્ર દિપાલી રાજ્યગુરુએ અને તેમના પરિવારે મારી પત્ની ખાતુનને દીકરાના પ્રસવ
વેળાએ સેવા કરેલી. તુલાબેનના મમ્મી
ઈન્દુબેને ખાતુનની વિશેષ કાળજી રાખી હતી. ઇન્દુબેનને અમે દીદી કહીએ. તુલા-સંજય
વિશ્વગ્રામના કર્તાહર્તા.તેમનો સાથ પણ અનેરો. ખાસ કરીને દિપાલીના દાદી અને મમ્મી, ભાનુબેને
ખાતુનની ખુબજ કાળજી લીધી હતી. આમ, અમારો મુસ્લિમ પરિવાર એક હિન્દુ પરિવાર સાથે
પારિવારિક રીતે જોડાયો હતો. દીકરા માહીનની છઠ્ઠીની વિધિપણ હિન્દુ ધર્મ પ્રમાણે જ
થઇ. પછી તો મારી પત્ની ખાતુનને દિપાલીના મમ્મી ભાનુંમાસી દીકરીની જેમ જ રાખવા
લાગ્યા. માહીનને પણ મામા-માસી અને નાનીના લાડ મળવા લાગ્યા. વેકેશનમાં અમારું
રાજકોટ જવું એકદમ સહજ થઇ ગયું. હું પણ મારા ઓરીએન્ટેશન અને રીફ્રેશર કોર્ષ માટે
‘સાસરી’ માં જ રોકાયો. એમનું પણ અમારા ઘરે મહેસાણા આવવું અવારનવાર થવા લાગ્યું.
પછી તો પરિવારની માફક લડવું-ઝઘડવું, રીસાવું-મનાવવું બધુંજ ચાલે. આમ, બંને
પરિવારોમાં ધર્મ ઓગળી ગયો. એકબીજા પર્ત્યેના ભરપુર પ્રેમે ધર્મની દીવાલો ધૂંધળી
કરી દીધી. દિપાલીના મમ્મી ચુસ્ત ધર્મપરાયણ, અને મારા પત્ની પણ મઝહબના ક્રિયાકાંડ
ચુસ્તતાથી પાળે, પણ ‘મા-દીકરી’ વચ્ચે કદી પણ કોઈપણ જાતનો ભેદ નહી. માસી (દિપાલીના
મમ્મી) ને માંસાહારની ભારે ચીડ, માંસાહાર કરતા કુટુંબના ઘરે પાણી પણ ના પીવે. મારી
પત્ની ખાતુન ભારે શાકાહારી. પિતાના ઘરે કસાઈનો ધંધો પણ પોતે માંસાહારની પરહેજ
રાખતાં, રાંધવાની વાત તો દુર રહી માંસને
અડે પણ નહિ. અમે બાપ-દીકરો પ્રસંગોપાત બહાર ખાઈ લઈએ. તેની જાણ માસીને ખરી. બંને
કુટુંબના બાકીના સભ્યોને ધર્મના ક્રિયાકાંડ સાથે કોઈ લેવાદેવા જ નહિ. અમે બધા
નોન-પ્રેક્ટીસીંગ હિન્દુ અને નોન-પ્રેક્ટીસીંગ મુસ્લિમ. હવે અમારો દીકરો સત્તર
વર્ષનો થયો છે. અમારા બંને પરિવારનો પ્રેમ આજે પણ અકબંધ છે. ધર્મ અમને ક્યાંય અડચણ
બન્યો નથી.
૨૦૦૨ના કોમી તોફાન વેળાએ હું મકતુપુર રેહતો હતો. હું, મારી પત્ની, માહીન અને
ભાણો-ભાણી પાટીદાર મહોલ્લામાં ઘર ભાડે રાખીને રહેતાં હતાં. અમારા ઘરે રોજ સાંજે
૩૦-૪૦ બાળકો આવે પ્રાર્થના થાય, રમત-ગમત ચાલે, ગીત-ભજન ગવાય, ઓરીગામી અને ચિત્રો
દોરાય. ઘરમાં ધીંગા મસ્તી ચાલે. રાત્રે કેટલાક બાળકો લેશન કરવા પણ આવે. બધાજ બાળકો
આજુબાજુના હિન્દુ પરિવારના હતાં. પાડોશી પશીમા અને વિઠ્ઠલભા અમારા પરિવાર સાથે
વિશેષ પ્રેમ રાખે. ખાતુન કામ કરતી હોય કે નમાજ પઢતી હોય ત્યારે પશીમા માહીનની
સંભાળ રાખે. પશીમા અને વિઠ્ઠલભા આમતો મુંબઈ રેહતાં હતાં ત્યાં સ્ટુડિયો હતો, હવે
છોકરા સંભાળે છે. દાદા-દાદી વતનમાં શાંતિથી રહે છે. સ્વાધ્યાયના સત્સંગમાં જવાનું,
ભક્તિ કરવાની, મંદિરે દર્શને જવાનું અને મોજથી રહેવાનું. સારી વાનગી બનાવી હોય તો
વાટકી અચૂક આવે. પશીમા નાના-મોટા ઊંઝાના કામ હોય તો મને સોંપે. દવા લાવવી હોય, બીલ
ભરવાના હોય કે આંગડીયું કરવાનું હોય વગેરે. અમારી આગળ આશાબેન રહે આશાબેન પગે અપંગ
પણ બહાદુર. આશાબેન તેમના માતા-પિતા સાથે રહે. એમ.એ સુધી ભણેલા. ટ્યુશન કરાવે. ટાઇપ
રાઈટીંગનું કામકાજ પણ કરે. સાંજે બાળકો અમારે ત્યાં આવે એટલે તે પણ તેમની સાઇકલ લઇ
આવે અને નિહાળે. કોઈકવાર ગીત પણ ગવડાવે. ૨૦૦૨ના તોફાન વખતે સમાચાર આવ્યા કે ટોળા
ભેગા થયા છે. કદાચ ગામના મુસ્લિમ વાસપર હુમલો થાય પણ ખરો. અમે ઉચાટમાં હતા, ફોનપર
ફોન રણકે સબંધીઓ સલામત સ્થળે ખસી જવાની સલાહ આપે. મને અને ખાતુનને આ ઘર વિના કોઈ જગ્યા સલામત ના લાગે. આમછતાં, આશાબેને
કહ્યુંકે સાહેબ તમે જતા રહો અમે ઘરને સાંભળી લઈશું. સિદ્ધપુરથી મિત્ર જીજ્ઞા દવેનો
ફોન આવ્યોકે ઇલીયાસ હું તને લેવા આવું છું તમે ક્યાંય જતા નહિ. થોડીકવારમાં તો જીજ્ઞા
જીપ લઇ આવી પહોંચી. અમે જીપમાં બેસી સિધ્ધપુર નીકળ્યા, રસ્તામાં હિંસક ટોળા હતા પણ
ડ્રાઈવરની સમયસુચકતાથી અમે સલામત રીતે સિધ્ધપુર પહોંચી ગયા.મકતુપુર ગામમાં વીસેક
મુસ્લિમ પરિવાર રહેતાં હતાં. બધાના જ ઘર સળગાવી દેવામાં આવ્યા. ઘણાય સંઘર્ષ બાદ
થોડી-ઘણી ઈજાઓ સાથે, પોલીસની મદદથી તે પરિવારો પણ સલામત સ્થળે જતારહ્યા. મસ્જીદ પણ
તોડી પડવામાં આવી. લુંટ-ફાટ પણ થઇ. જીજ્ઞા દવે સિધ્ધપુરના બ્રાહ્મણ પરિવારની દીકરી
હતી. લગ્ન નહોતા કર્યા. યોગાંજલિ આશ્રમમાં સેવા આપતી હતી. અમે પાંચેય યોગાંજલિ
આશ્રમમાં રોકાયા. ડર અને આક્રોશ સાથે જીજ્ઞા અને રમીલાફોઈ (આશ્રમના સ્થાપક) સાથે
દિવસો સુધી રહ્યા. એક દિવસે મિત્ર અલ્તાફનો દાસજથી ફોન આવ્યો. “ ઇલીયાસ, તું કયાં
છે?” મેં કહ્યું “ યોગાંજલિ, જીજ્ઞા પાસે છીએ” અલાતાફે કહ્યું કે “ અહી દસાજમાં
અનેક પરિવારો ભાગીને આવ્યા છે. છેલ્લા અઠવાડિયાથી અમે બધાને લોકોના ઘરેથી સીધું
ઉઘરાવી રસોડું કરીએ છીએ પણ હવે ઘણી વસ્તુઓ ખુટી પડી છે અને દાસજ છોડી ક્યાંય જવાય
તેમ નથી. ઊંઝા સલામત નથી અને સિદ્ધપુરમાં સતત કરફ્યું રહે છે અને રસ્તોપણ સલામત
નથી.” મેં આ વાત જીજ્ઞાને કરી જીજ્ઞાએ કહ્યુંકે “ કોઈ ચિંતા નહિ, ફોન પર વસ્તુનું
લીસ્ટ લઈ લો” અમે અલ્તાફ પાસે થી લીસ્ટ મેળવ્યું. બાહોશ જીજ્ઞા દવેએ કરફ્યું ખુલતા
જ ઓળખીતા કિરાનાવાળાના ત્યાંથી બધી વસ્તુ ખરીધી ટેમ્પો ભરી દાસજ રવાના કર્યો.
દાસજથી અલ્તાફનો ફોન આવ્યો. “ જીજ્ઞાબેનને મારા સલામ કહેજે અને કહેજે કે એમનું ઋણ
જીંદગીભર રેહશે.”. અમારા મકતુપુરથી નીકળ્યા બાદ ટોળું અમારા ઘરપર હુમલો કરવા
પહોચ્યું હતું પણ આશાબેને અને રોજ સાંજે રમવા આવતા બાળકોએ ઘરને લુંટવા ન દીધું.
આશાબેને રોકડું પરખાવી દીધું કે ‘ અહી થી ચાલ્યા જાવ નહીતો જોયા જેવી થશે” ટોળું
બબડાટ કરતુ ગયુંતો ખરું પણ આશાબેનને ખબર હતીકે આ લોકો ફરીથી આવશે. આશાબેને ઘરનું
તાળું ખોલી બધોજ સમાન બાળકોને લઇ જવાનું કહ્યું. અને કહ્યું કે સાહેબ જે દિવસે
પાછા આવે ત્યારે આપી દઈશું. ઘડીકમાં ઘર ખાલી થઇ ગયું. ફ્રીઝ, પંખા અને પુસ્તકો તથા
કીમતી સમાન પણ ઠેકાણે કરી દેવાયો. બીજા દિવસે આશા બહેને ફોન કરી બધી વાત કરી. હું
અને મારા વિશ્વગ્રામના મિત્રો રમેશભાઈ વૈષ્ણવ અને વનરાજભાઈ ચાવડા લગભગ દોઢ માસ પછી
વાહન લઇ સમાન લેવા ગયા. ઘર આગળ વાહન ઊભું રાખ્યું. આશાબેન આવ્યા અને બધા બાળકોને
બૂમ પડી. બધા બાળકો સમાન લઇ આવી પહોચ્યા. મારી એક રકાબી પણ ખોવાઈ ન હતી. અમને ભારે
હૈયે સૌએ વિદાય આપી. પંખાના પાંખીયા એક બાળકના ત્યાં રહી ગયા હતા તો તેના વાલી
બીજા દિવસે કૉલેજ આપવા આવ્યા હતા.
મને હિંદુ ધર્મનો પરિચય ઇન્દુબેન, તુલાબેન, ભાનુબેન, જીજ્ઞા કે આશાબેન જેવા
અનેકોથી છે, જે સદા હ્રદયમાં રહેવાનો, કોઈનીપણ કટ્ટરતા એ સબંધ કે એ ધર્મ વિશે અમને
ભરમાવી નહિ શકે.
Comments
Post a Comment