હસનચાચાને ગયે આમતો સત્તર વરસ વીતી ગયા.
ઇલીયાસ મનસુરી
એ વિજાપુર તાલુકાના દેવડા ગામના વતની. દેવડા
આમતો સાવ નાનું ગામ. મુખ્યત્વે પાટીદાર, ઠાકોર અને બારોટ સમાજની વસ્તી, ત્રણ ચાર
ઘર મુસ્લીમોના અને દસ-બાર ઘર દલિતોના સીવાય થોડાક ઘર રાવળ સમાજના, વસ્તી માંડ
પંદરસો- બે હજારની. ગામનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન. બારોટોએ તો મોટાભાગે
અમદાવાદ અને મુંબઈ વસવાટ કરેલો એટલે એ વખતે માંડ ચાર-પાંચ ઘર હતા. ઠાકોરો મોટાભાગે
નાની ખેતીવાળા, કેટલાક તો પાટીદારોના ત્યાં મજુરી જાય અને ઉધેડ જમીન વાવે. બાકીનો
સમાજ નાના-મોટા વેપાર કે મજુરી માટે પાટીદારો પર નિર્ભર. ગામ સંપીલું અને
વિકાસશીલ. પાણીનો બોર, પાકી સડક અને દસમા ધોરણ સુધીની નિશાળ પણ ખરી. સરસ બસસ્ટેન્ડ
અને ચબુતરો પણ ગામની શોભા વધારે. બચુભાઈ બારોટ સરપંચ હતા ત્યારે પણ જ સરકારમાંથી
યોજનાઓ મજુર કરાવી અનેક યોજનાઓ ગામમાં લાવેલા, પછીતો ઇન્દીરાનગરની યોજનામાં ગરીબો
માટે ઘર બનેલા અને ગામમાં નવી આંગણવાડી પણ શરુ થઇ હતી.
હસનચાચા અને તેમના ભાઈઓ દેવડામાં રહે, તેમનો
પરિવાર પેઢીઓથી દેવડાવાસી જ. નબીભાઈને એસ.ટીમાં ડ્રાઈવરની નોકરી, અપ-ડાઉન કરે પણ
રહે દેવડામાં જ, હાજીભાઇ તો બહું વહેલા મૃત્યું પામ્યા હતા. પરિવાર ખાસ્સો સમય
દેવડા રહ્યો. દીકરો હનીફ ગાંધીનગર નજીક નોકરી કરતો પછી તેનાં મા, નુંરબાઈને પણ
બોલાવી લીધા હતા. હસનચાચાના સૌથી નાના ભાઈ પણ ધંધાઅર્થે કલોલ સ્થાઈ થયેલ, પણ એમની
દેવડામાં અવર-જવર રેહતી. આમ હવે બે ભાઈઓ જ દેવડામાં રહેલા. હસનચાચા એકલા જ રહે.
યુવાનીમાં લગ્ન થયેલ અને દીકરો પણ ખરો, પરતું સામાજિક ગુંચ એવી પડી કે પતિ-પત્નીને
અલગ થવું પડેલું. બંનેએ જીવનભર બીજા લગ્ન ના કર્યા. ‘હસન
અને રતનને સમાજના પંચાતીયાના લીધે વેઠવું પડ્યું’ એવું વડીલો હંમેશા કહેતા.
હસનચાચાને ગામમાં બસસ્ટેન્ડ નજીક એક નાનો
ગોળી-બિસ્કીટનો ગલ્લો. થોડું કરીયાણું પણ રાખે. શેકેલી માટી અને કચુકા માટે વધારે
પ્રખ્યાત. ઈંડા અને સુકા જીંગા પણ રાખે. જો ઠાકોરોમાં કોઈ મહેમાન આવેલા હોય તો
જીંગાનો વેપાર જરૂર થાય. કેટલાક યુવાનો જો ‘મિજબાની’ રાખે તો હસનચાચાના ગલ્લે થી
ઈંડા ખેતરે લઇ જઈ આમલેટ બનાવે.હસનચાચા ભારે વાતોડિયા. યુવાનો કે ઘરડાં સૌ એમની
સાથે વાતો કરતાં જોવા મળે, મઝાક અને મસ્તીનો ખજાનો. વાતવાતમાં કેહવતો અને
સંસ્કૃતના સુભાષિતો ટાંકે. જો કોઈ દીકરી સાસરેથી જમાઈ સાથે આવેલી હોય તો, બસમાંથી
ઉતરી જમાઈ હસનચાચાના ગલ્લે બેસે. દીકરી પહેલાં ઘરે જાય. આમાન્યા પાળે એટલે જમાઈ-દીકરી
સાથે ઘરે ના જાય. હસનચાચા જમાઈની આગતા- સ્વાગતા કરે, પાણી, બીડી કે મસાલો અને વાતો
થાય. પછી ઘરેથી કોઈ તેડવા આવે પછી જ જમાઈ સસરાના ઘરે જાય. આ એક પરંપરા. જયારે
દીકરી સાસરે જતી હોય એટલે હસનચાચા ભાણીયાંને ગોળી-બિસ્કીટ તો આપેજ સાથે સાથે
દીકરીને રૂપિયો બે રૂપિયા ટકો પણ આપે. હસનચાચા માટે ગલ્લો એજ ઘર. સમય થાય એટેલે
નમાજ પણ ગલ્લામાં જ પઢી લે. ઉનાળામાં રાત્રે ગલ્લો બંધ કરી બહાર ખાટલો ઢાળી
લંબાવે, અને શિયાળા, ચોમાસામાં ગલ્લાની અંદર સુઈ જાય. એમનો ગલ્લો પણ નાની દુકાન કમ
ઘર જેવો.
હસનચાચા ધાર્મિક પ્રકૃતિના માણસ. હવે ઘડપણ તરફ
પણ છ ફૂટ ઉંચી કાયા, ભરાવદાર બાંધો, લાંબી સફેદ દાઢી, જાડી મૂછો, મોટી મોટી આંખો
અને સહેજ લાંબી કાનની બુટો, કોઈ વૈદિક સમયના ઋષિ હોય તેવો એમનો ચહેરો. બરછટ અને
વાઢીયા પડેલી હથેળીઓ અને માથે દીવાલવાળી કાળી ટોપી. ઘણા વેપારીઓ તો તો ‘હસન
કાળીટોપી’ તરીકે જ ઓળખે.
ગોધારકાંડના બીજા દિવસે નજદીકના કુકરવાડામાં
મુસ્લીમોના ઘરો તોફાનીઓએ સળગાવ્યા હતા, પણ વડાસણ, સોખડા કે ઉબખલ રેહતા એકલ-દોકલ
મુસ્લિમોને કોઈ તકલીફ હજું પડી ન હતી. ગામ લોકો સજાગ હતા. ‘બહારથી કોઈ આવવું ના
જોઈએ, ગામવાળાને તો આપણે સાંભળી લઈશું’, એવો નિર્ધાર હતો. હસનચાચાના નાના ભાઈ નબી
ભાઈ પરિવાર સાથે એમની દીકરીને ત્યાં કાણોદર જતા રહ્યા હતા, હસનચાચાને કહેવા છતાં
તે ગલ્લો અને ગામ મુકી જવા તૈયાર ન હતા. કેટલાક ગમ્મતમાં હસનચાચાને ડરાવતા “ ગલ્લા
સાથે જ તમને મોકલવાના છે!’. ‘અલ્લાહના ત્યાંય તમારા જેવા મળી જશે તો ધંધો કરી લઈશું”.
હસનચાચા પણ મજાકમાં જોડતા. એમને તો ‘ ગલ્લા અને અલ્લાહ’ સીવાયનો કોઈ પળોજણ હતી જ
ક્યાં?. પણ એ દિવસે એમના મિત્ર સેધાજીએ એમને ગલ્લામાં સુઈ રહેવા ના દીધા. સંધ્યા
થતાં જ એ એમને ઘરે લઇ ગયા. સેધાજીને ડર હતો. અફવાનું બઝાર ગરમ હતું. જાત જાતની
વાતો આવતી હતી. વીસનગર અને સરદારપુરના સમાચાર વાયુ વેગે ફેલાયા હતા. સેધાજી કોઈ
ગફલતમાં રેહવા નહોતા માંગતા. હસનચાચાએ સેધાજીને ઘરે જ નમાજ પઢી, વાળું કરી સુઈ
ગયા. સવારે વહેલા ઉઠી નમાજ પઢી, અને ગલ્લો ખોલવા પહોંચ્યા. ગલ્લો સલામત હતો. આખો
દિવસ અજબ અજંપામાં પસાર થયો. જાત જાતના સમાચાર અને અફવાઓએ ગામવાળાઓને ચિંતામાં
નાખી દીધા. રાત્રે ચાર-પાંચ જણે સેધાજીને
મહોલ્લા બહાર બોલાવ્યા અને સમજાવ્યા કે “હસનચાચાને તું એમના ભાઈ પાસે મોકલી દે, જો
ટોળું આવશે તો નકામી આપણે મોટી માથાકૂટ થશે. એના કરતાં થોડા દિવસ અહીંથી એમેને ખેસવી
દે.’ નક્કી થયું કે હસનચાચાને સવારે કાણોદર મોકલી દેવા, અને રાત્રે જ વડાસણ નાગરજી
ઘંટીવાળાને ત્યાં મુકી આવીએ એટલે સવારે સાધનમાં કે બસમાં બેસાડી દઈશું. સેધાજીએ
સઘળી વાત હસનચાચાને કરી. બંને રાત્રે બે કિલોમીટર ચાલી નાગરજીને ત્યાં વડાસણ
પહોંચ્યા. નાગરજીની ઘંટી હસનચાચાના ગલ્લાની બાજુમાં જ હતી. નાગરજીએ તો એમને વડાસણ
આવવા પેહલેથી જ કહ્યું હતું. નાગરજી અને બીજા વડીલોએ હસનચાચા સાથે મોડે સુધી વાતો
કરી સધિયારો આપ્યો. સવારે નાગરજીને હસનચાચાને એકલા મોકલતા જીવ ના ચાલ્યો. નબીભાઈને
કાણોદર ફોન કર્યો કે આવી જાય. નબીભાઈ એમના એક ડ્રાઈવર મિત્ર સાથે બપોર સુધીમાં
વડાસણ પહોંચ્યા. સૌ રાહ જોઈ રહ્યા હતા. રાત્રે કેટલાક તોફાનીઓએ હસનચાચાનો ગલ્લો
સળગાવી દીધો હતો પણ એ વાતની જાણ હસનચાચાને નહોતી કરી. સેધાજી સવારે જ વડાસણ આવી
ગયા હતા. એ કેહતા હતા કે બચુંભાઈ સરપંચ જીવતા હોત તો આવું ના બન્યું હોત. બહારથી
રાત્રે ટોળું આવ્યું અને ગલ્લો સળગાવી દીધો. લોકો બોલતા રહ્યા પણ ટોળાએ તેનું કામ
કરી દીધું. સેધાજી તો હચમચી ગયા, એમને તો થયું કે સારું થયું હસનચાચાને વડાસણ
મુકવા જતાં રસ્તે ટોળું ના મળ્યું. નહિ તો ગજબ થઇ જાત!
નબીભાઈ ખાસ્સા ડરેલા હતા. કેવીરીતે હસનચાચાને
દાઢી સાથે છુપાવીને લઇ જવા તેની સૌને ફિકર હતી, નાગરજીએ હિંમત કરી હસનચાચાને
કહ્યું કે “ આ દાઢી કઢાવી નાખો તો રસ્તામાં તકલીફ ના પડે”. ‘હું દાઢી નહિ કઢાવું,
કાલે મરવું પડે હોય કે હાલ મરવું પડે” હસનચાચા જરા ગભરાતા અવાજે બોલ્યા. “ હસન,
અલ્યા દાઢી તો કાલે વધી જશે, એને ખાતર જીવ જોખમમાં ના મુકાય, તારા સંગાથે મુકવા
આવતા બધાંને જોખમ થાય. થોડું સમજ” નાગરજી એ દલીલ કરી. નબીભાઈએ પણ મોટાભાઈને
સમજાવ્યા. પોપટ નાયીને બોલાવ્યો. દાઢી કઢાવી. હસનચાચા ચોધાર આશુંએ રડતા હતા. કશું
જ બોલતા ન હતા. રતન ગયા પછીએ નમાજ પઢતા થયા ત્યારથી એમને કદી દાઢી મુંડાવી ન હતી.
ગામની જીપમાં બેચાર જણા સાથે ગયા અને હસનચાચા અને નબીભાઈને કાણોદર છોડી આવ્યા.
રસ્તામાં હસનચાચા એકપણ શબ્દ બોલ્યા નહિ, અને નાના બાળકની માફક રડતા જ રહ્યા.
સેધાજી પણ સાથે હતા. હેમખેમ કાણોદર પહોંચ્યા મુકીને પરત નીકળતી વેળાએ હસનચાચાએ
ખિસ્સામાંથી ગલ્લાની ચાવી કાઢી સેધાજીને આપી પણ કશું બોલ્યા નહિ. સેધાજી પણ મૌન જ
રહ્યા.
હસનચાચાએ ખાવાપીવાનું છોડી દીધું. ઘણું
સમજાવ્યા પણ ઘૂંટડો પાણી કે રકાબી ચા જ પીતા, એક ખૂણામાં સુનમુન બેસી રહેતા. સમયે
નમાજ પઢે. એકાદ માસમાં જ એમને દેહ છોડી દીધો. કાણોદર નજીક બસુમાં દફન થયા.
.............................
................................................. ........................................

My name is Yogesh Barot and living at Gandhinagar . Fine Reporting by iliyas Mansuri. Devda is my native place and Bachubhai Barot, Sarpanch is my father. I know Hasanbhai was a well known person in my Village. But unfortunately I don't know this story about Hasanbhai . May Allah provides his Pias Soul to Rest in Peace. Amin
ReplyDeleteખરે ખર આ દાદા ખુબજ સરસ હતા અમારું બચપણ તેમના સામેજ વીતેલું ગોળી બિસ્કિટ ખાધેલા ભગવાન તેમના આત્માને શાંતિ આપે
ReplyDeleteખુબ સરસ ચરિત્રચિત્રણ. અલ્લાહ ના બંદા નું નખશિખ માનવતાવાદી પાસું.
ReplyDelete