સાથે રમીએ....સાથે ભણીએ....સાથે કરીએ સારા કામ
સાથે રમીએ....સાથે ભણીએ....સાથે કરીએ સારા કામ
ઇલીયાસ મનસુરી
ગામ તો મોટું, ઉચ્ચતર માધ્યમિક સુધીની શાળા, દૂધ
ડેરી, સિનેમા, માર્કેટયાર્ડ, ચાર સરકારી પ્રાથમિક શાળાઓ તથા એક કન્યા શાળા પણ ખરી.
મોટાભાગે દરેક જાતિના લોકો અમારા ગામમાં રહે. પાટીદારો સંખ્યામાં વધુ પણ આધિપત્ય
નહિ. ગામની પંચાયતની સામાન્ય બેઠક પર પણ એકવાર દલિત સમાજના સોમભાઈ મકવાણા સરપંચ
બનેલા. એ વાત જુદી છે કે તેઓ ટર્મ પુરી નહોતા કરી શક્યા. ગામની પ્રાથમિક શાળાઓમાં
દરેક જાતિ-વર્ગના બાળકો અભ્યાસ કરે. ગામના સુખી પરિવારનું બાળક અને સૌથી ગરીબ
પરીવારનું બાળક સાથે ભણે-રમે અને કેટલાક અપવાદ બાદ કરતાં સાથે જમે પણ ખરા.
એકબીજાના ઘરે પણ નોટ-ચોપડી લેવા જાય. આમ, ગરીબ અને અમીર બાળકો સાથે અભ્યાસ કરતાં.
અમારી સાથે અભ્યાસ કરતો દશરથ દંતાણી ભણવામાં હોશિયાર,
હું એની સાથે એકથી દસ ધોરણ સુધી ભણ્યો. એનો નંબર વર્ગમાં એકથી ચારમાં તો આવે જ.
સોની પરિવારની દીકરી હેમા દરવખતે પ્રથમ આવે, તે દશરથ પાસેથી અવારનવાર નોટ પણ લઇ
જાય. દશરથ પાછો ગાવામાં પણ નિપુણ. એનો કંઠ ભજન માટે તો જબરો મધુર લાગે. પંખીડાને આ
પીંજરું જુનું જુનું લાગે... એ ભજન તો તે અવારનવાર પ્રાર્થનામાં ગાતો. નવીનભાઈ
સાહેબ તો તેની પાસે આ ગીત અચૂક ગવડાવે. શરણાઈ અને બેન્ઝો વગાડતા પણ આવડે. આઠમા
ધોરણમાં તો તે લગ્ન પ્રસંગે બેન્ડબાજા પાર્ટીમાં વગાડવા પણ જતો અને અભ્યાસ પણ કરે.
દશરથ વરસના અમુક મહિના બોરની વાડીમાં રહેવા જતો. એના પિતા વાડી રાખતા. અનેકવાર
અમને મફતમાં બોર ખવડાવતો. દશરથની મોટીબેન સ્ટેશન પર બોરની લારી લઇ ઉભી રહેતી. ધોરણ
દસમાં અમે લગભગ પંદરેક વિદ્યાર્થીઓ રસિકભાઈ સાહેબને ત્યાં ગણિત-વિજ્ઞાનનું ટ્યુશન જતા. દશરથ તો વાડીમાં રેહતો તેથી આવી ના શકતો. સાહેબની ફી
તો આમ મામુલી જ કેહવાય પણ દશરથ કેહતો કે “મારા બાપા ના પાડે છે”. પછી તો દશરથનો
સાથ છૂટી ગયો. અમે બધા સાયન્સમાં ગયા. તે અગિયારમા સુધી ભણ્યો. લગ્ન થઇ ગયા. એક બીજી વાડી થોડી દૂર એને અને એના બનેવીએ ભાગમાં રાખી. લગભગ તેણે તો
ભણવાનું છોડી જ દીધું. આમછતાં, અમારા બધામિત્રોનો તેની સાથે બોલવા-ચાલવાનો વ્યવહાર
રહ્યો. તેની લારી પર ઘડીક ઊભા પણ રહીએ. લગ્નપ્રસંગ માટે કોઈ પૂછે તો દશરથના બેન્ડની જ સલાહ આપીએ. એને સંતાન નથી. રાહતના ગાળા
મળ્યા તેના પર તેણે ઘર બનાવી દીધું છે. હવે બેન્ડનું કામકાજ બંધ કરી દીધું છે.
નાની સ્થાયી દુકાનની જગ્યા ભાડે લીધી છે. ફળફળાદીનો ધંધો કરે છે. આજે તો બધા
મિત્રો છુટા છવાયા નોકરી-ધંધો કરે છે, પણ પરસ્પરના સબંધો છે. વોટ્સઅપ ગૃપમાં પણ
અમે જોડાયેલા છીએ. દશરથ એન્રોઈડ મોબાઈલ નથી વાપરતો પણ આવતાજતા તેની દુકાને
હાય-હેલ્લો થાય છે.
આજે સમય બદલાયો છે. ગામના અમીર અને ગરીબ બાળકો
જુદીજુદી નિશાળમાં ભણે છે. ગામની સરકારી પ્રાથમિક શાળાઓમાં મોટેભાગે હવે માત્ર
ગરીબ બાળકો જ અભ્યાસ કરે છે. કેટલીક જગ્યાએ તો બે-બે વર્ગ દીઠ એક શિક્ષક છે અને એક
વર્ગમાં માંડ દશ-પંદર વિદ્યાર્થીઓ હોય છે. સુખી પરિવારના બાળકોને લેવા પીળારંગની
બસ આવે છે. નવા જમાના પ્રમાણે વાલીઓ પણ પોતાના સંતાનોને અંગ્રેજી માધ્યમમાં ભણાવવા
સ્વાભાવિક રીતે જ ઈચ્છા રાખે છે. સરકારી અંગ્રેજી માધ્યમની શાળાઓ છે નહિ, માટે
ખાનગી નિશાળમાં બાળકો મુકવા પડે છે. સુખી પરીવારો તો શિક્ષણ પાછળ ખર્ચ કરવામાં કંઈ
પાછું ના જુએ. મધ્યમ આવક ધરાવતા પરિવારો પણ સારા શિક્ષણની અપેક્ષાએ બાળકોને ખાનગી
શાળામાં મુકે છે. આર્થિક અસમાનતા શિક્ષણની તકોમાં પણ અસમાનતા સર્જે છે. ગરીબ બાળકો
સરકારી શાળાઓમાં જ અભ્યાસ કરે છે. ગામમાં ખાનગી શાળામાં ભણતા બાળકોના ગરીબ બાળકો
સાથે સંપર્ક લગભગ નહીવત છે. આમ બાળકો એકબીજાની પરિસ્થિતિ કે રીતરિવાજથી મહદઅંશે
અજાણ રહે છે. સુખ-દુઃખ વહેચવાનો તો પ્રસંગ ભાગ્યે જ બને.
તુષાર દેસાઈ, ભણવામાં ખુબ જ હોંશિયાર, તેનો પરિવાર
ગામમાં પશુપાલનનો વ્યવસાય કરે. ખાધે પીધે સુખી. નેસડામાં નાનું ઘર પણ બધી અગવડો
વચ્ચે પણ તુષાર ભણ્યો. એનો મોટોભાઈ કમશી માણસામાં ડેરી કરી તેની પત્ની સાથે રહે.
બાર સાયન્સ ભણવા માણસાની એક પ્રખ્યાત સ્કૂલમાં એડમીશન લીધું. બી ગ્રુપ રાખવાની સાહેબે
સલાહ આપેલી. માબાપ પણ ઈચ્છતા કે ડોકટરી ભણે તો સારું. સ્કૂલ તો ગ્રાન્ટેડ હતી એટલે
સત્ર ફી મામુલી. ભાઈ કમશીને કોઈ બોજો નહિ. સાયન્સમાં અભ્યાસ કરવો હોય તો ગણિત,
જીવવિજ્ઞાન અને ભૌતિકશાસ્ત્રમાં ટ્યુશન તો રાખવા પડે. સ્કૂલમાં કઈ ગહન મહાવરો ના
થઇ શકે. ચર્ચાને અંતે ટ્યુશન વર્ગમાં મુકવાનો નિર્ણય થયો. હમણાંજ એક ગાય પાકી હતી
એટલે કઈ ઉસીના લેવા પડે તેમ ન હોતા. ટયુશનના સાહેબે કહ્યું કે જો મેડીકલમાં એડમીશન
લેવું હોય તો NEETની પરીક્ષા અપાવી પડે અને તેનો અભ્યાસક્રમ જરા જુદી રીતે ચલાવાય.
તે માટે કોટાની ફેકલ્ટી હોય તેવા વર્ગોમાં જોડાવું પડે. કમશીએ તપાસ આદરી. આકાશ,
એલન, બોર્થા વગેરે વર્ગોની મુલાકાત લીધી. કઈ જામ્યું નહિ. ફી તો ખાસ્સી વધારે હતી.
ઘરે બાપુજીને વાત કરી. તુષારના પિતા નરસિંહભાઈના મિત્ર પ્રધુમનભાઈ જોશી. જોશી
સાહેબ બનાસકાંઠાની કોઈ હાઇસ્કૂલમાં આચાર્ય. શની-રવિ ઘરે આવે. નરસિંહભાઈ સલાહ લેવા
તેમની પાસે ગયા. પ્રધુમનભાઈએ કહ્યું કે “ આ હવે નવું આવ્યું છે. આપણી વખતે તો
બોર્ડના ટકાને આધારે જ બધે પ્રવેશ મળતો. નરસિહ, જો છોકરો હોશિયાર હોય
તો સાહસ કરવામાં વાંધો નહિ. જો છોકરો ડોક્ટર થઇ જશે તો વરસમાં પૈસા વસુલ.”
નરસિહભાઈ પાસે પૈસાની સગવડ થાય તેમ ન હતી. વિવાયેલી ગાયને તો ટ્યુશનની ફી ભરવા
માટે રાખી હતી. દલાલને કહી રાખ્યું હતું. એક બે જણ જોઈ પણ ગયા હતા. દબાવીને કિંમત
લેવા હજુ થોડું ખેચ્યું હતું. આ નવું નીટવાળું તો લાખ- સવાલાખ ઉપર જાય તેવું હતું.
એક દિવસ તુષારનું ફટક્યું “ જુઓ બાપા, મારાથી નિશાળ, ટ્યુશન અને નીટ બધું એકી સાથે
નહિ થઇ શકે. જો સારા ટકા આવશે તો ડ્રોપ લઈને પછીથી નીટ કરીશ.” તુષાર સમજદાર હતો.
બાપુજી કંઇ બહાનું બતાવે તે પહેલા જ તેણે નિર્ણય લઇ લીધો. તુષાર સાથેના ઘણા વિદ્યાર્થીઓએ
તુષાર જેવો જ નિર્ણય લીધો. છ સાત જણા એલન(ચાંદખેડા)માં ગયા અને બે જણ આકાશ(ગાંધીનગર)માં
જોડાયા. તેમાંથી કુલ ત્રણને સરકારી મેડીકલ કૉલેજમાં એડમીશન મળ્યું જયારે એકને
સેલ્ફ ફાઈનાન્સ કોલેજમાં એડમીશન મળ્યું. બીજાઓએ ડેન્ટલ, ફાર્મસી, વેટનરી વગેરેમાં
પ્રવેશ લઇ લીધો. તુષારને ટકા સારા આવ્યા પણ હવે નીટ કરવાનો વિચાર નહતો. તેના ખાસ
મિત્ર અનીલ પટેલને સેલ્ફ ફાઈનાન્સ મેડીકલ કોલેજમાં એડમીશન મળ્યું હતું. ત્યાં ફી
લગભગ પાંચ લાખ હતી. અનિલના ફુવાએ થોડી મદદ કરી અને ઉમીયામાતા ટ્રસ્ટમાંથી અમુક
સહાય મળી એટલે ફી ભરાઈ ગઈ. તુષાર ઝૂલોજી સાથે વિસનગર બી.એસ.સી કરે છે. બી.એસ.સીના
મેરીટમાં એનો બીજો જ નંબર હતો. પ્રધુમનભાઈ પરિણામ પછી ઘરે આવેલા “ નરસિંહ છોકરાને નીટ કરાવ, દેવું તો ભરાશે.
હું જ જો ઘરની લોન ભરું છું. દેવું હવે કંઇ નાનમ નથી ગણાતું”. નરસિંહભાઈ પણ
તુષારને સાંભળતા જ બોલેલા “ હું ક્યાં ના કહું છું. એતો બધું થશે. એને ભણવું હોય
તો મારી કોઈ ના નથી”. તુષારે તો વાતમાં બહુ ધ્યાન નહોતું આપ્યું.
અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર, સુરત અને વડોદરામાં હજારો
કુટુંબ ગામડેથી આવી પોતાના સંતાનોને ભણાવવા ભાડે રહે છે. કંઈ કેટલાય બાળકો બાર
સાયન્સ તથા NEET કે JEEના વર્ગો તથા સ્પર્ધાત્મક પરીક્ષાઓના વર્ગો માટે શહેરોમાં
રહે છે. શિક્ષણની આ નવી તરાહ, ટૂંકા ગાળાના વિસ્થાપન માટે ગ્રામ્ય પ્રદેશના
વિદ્યાર્થીઓને મજબુર કરે છે. આર્થિક રીતે કાચાપોચા આ સંઘર્ષમાં ટકી શકતા નથી.
હમણાં ગામમાં મોટા હોર્ડિંગ્સ લાગેલા હતા. ફી વધારો હાર્યો, ગુજરાત જીત્યું.
સરકારે ફી નિયમનનો જે નિયમ બનાવ્યો હતો તેની વિરુધ્ધમાં શાળા સંચાલકો કોર્ટમાં ગયા
હતા. કોર્ટે ફી નિયમનને મંજુર રાખ્યું. શાળા સંચાલકો, આમતો મોટાભાગે બિલ્ડરો છે
અથવાતો સારું આર્થિક પીઠબળ ધરાવતા શિક્ષકો એટલે કેવી રીતે રસ્તો કાઢવો તેનું
ખાસ્સું જ્ઞાન. હવે તો મકાનની રકમ ચુકવતી વખતે જેમ બે લાખ આપો તો બે હજારની પાવતી
આપે પછી દસ્તાવેજમાં આખરી ગોઠવણ થાય તેમ સ્કુલ સંચાલકો પણ પચાસ હજાર ફી ભરો એટલે
પાંચ હજારની પાવતી આપે. જો બાળકને ‘સારી’ સ્કુલમાં ભણાવવો હોય તો આ બધું કરવું
પડે.
ડૉ. વાન્ઝા સાહેબના દીકરા પ્રશાંતને NEETમાં ઓછા ગુણ
આવ્યા. મેડીકલમાં એડમીશન ન મળ્યું. પ્રશાંતને દસમા ધોરણમાં ૮૯ ટકા હતા. અમદાવાદના
સેટેલાઈટ વિસ્તારમાં દવાખાનું અને બંગલો પણ નજદીકમાં જ હતો. ડૉ. કુરેશીનો સાહિલ,
ડૉ. મોરેનો નીખીલ અને જીતુભાઈ દાણીનો રીન્કેશ સાથે જ ટ્યુશન જતા. દાણીભાઈએ બધા
વિષયના એક્ષ્પર્ટ શિક્ષકો રાખ્યા હતા. પર્શનલ બેચમાં માત્ર પાંચ જ હતા. એક
ભૌતિકશાસ્ત્રના એસ.આર.ફડીયા સાહેબનો દીકરો ભાર્ગવ આવતો. નીટ માટે એલનની ફેકલ્ટીને
જ રોકી હતી. ખર્ચની કોઈ ચિંતા ન હતી. જો અત્યારે ખર્ચ સામું જોઈએ તો પછી એડમીશન
વખતે વધુ ડોનેશન આપવું પડે. આમછતાં, રીન્કેશ અને સાહિલનો મેડીકલમાં મેળ ન પડ્યો.
પ્લાન બી તૈયાર જ હતો. રશિયાની તપાસ કરી જ રાખી હતી. ઇન્ડિયામાં બેંગ્લોર કે
પુનામાં મેનેજમેન્ટ સીટમાં મળે તેમ હતું પણ સરવાળે રશિયા જ સસ્તું પડે તેમ હતું.
લગભગ વિદ્યાર્થી દીઠ ૪૦-૫૦ લાખમાં એમ.બી.બી.એસ પૂરું થાય અને વિદેશનું એક્ષ્પોઝર મળે તે નફામાં. જમવાની થોડી
તકલીફ પડે તેમ હતું તે પણ ગોઠવાઈ ગયું હતું. પાલનપુરના કોઈ ચંદ્રકાંત ઝવેરીની
મોસ્કોમાં હીરાની ઓફીસ હતી ત્યાં છ-સાતના સ્ટાફ માટે એક પુરોહિત રાખેલો જ હતો તો
છોકરાઓ ત્યાં ચેઈન્જ માટે જાય તો વાંધો ન હતો. દાણીભાઈની મદદથી તે પણ ગોઠવાઈ ગયું.
ત્યાં એમ.બી.બી.એસ. પછી અહીં આવી ખાલી એમ.સી.આઇની એક્ઝામ આપવાની હોય છે, થોડી અઘરી
ખરી પણ નીકળી જવાય. બાકી વિશેષ કંઈ નહિ. મોસ્કોમાં ઘણા ગુજરાતી છોકરા-છોકરીઓ
મેડીકલ કોલેજમાં છે જ. કંઈ અતડું લાગે તેવું નહોતું. અને કંઈ તકલીફ હોયતો
ચંદ્રકાંત ઝવેરી તો હતા જ. બે-ત્રણ મહીને એકવાર ઇન્ડિયા આવે તો કૉલેજમાં કઈ વાંધો પણ
નથી. રીન્કેશ અને સાહિલ પણ ડોક્ટર થઇ જશે.
શાળાએ સમાજની લઘુ આવૃત્તિ છે. સમાજના બદલાતા પ્રવાહો
શાળાજીવનમાં પ્રતિબિંબિત થતા હોય છે. આર્થિક અસમાનતાને લીધે શિક્ષણ મેળવવાની તક પણ
અસમાન બની. સામાજિક અને આર્થિક બાબતોને લઇ સમાજમાં ભેદ તો હતા જ. આમછતાં, કેટલાક
affirmative પગલાં દ્વારા જવાબદેહી સમજતી સરકારો આ ભેદને ઓછા કરવાની સતત કોશિશ
કરતી હોય છે. સરકાર આ બાબત સુપેરે જાણે જ છે માટે તેની અસરને ખાળવા ખાનગી પ્રાથમિક
શાળાઓમાં ૨૫ ટકા ગરીબ બાળકોને સમાવવાનો કાયદો
કર્યો. અમલ કેવીરીતે થાય છે? એ બાળકોનું અમીર બાળકો સાથે કેવું જામે છે? શાળા કેવો
વ્યવહાર રાખે છે? તે અલગ અભ્યાસનો વિષય છે. આમછતાં, ઈરાદો નેક હોય તો રસ્તા મળી
રહે. સરકારી પ્રાથમિક શાળાઓની સ્થિતિ મોટાભાગે
શહેરી વિસ્તારોમાં વધુ દયાજનક બની છે. યોગ્ય અને ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા
શિક્ષકો હોવાછતાં મહદઅંશે ગરીબ પરીવારો જ પોતાના બાળકોને સરકારી શાળાઓમાં મોકલે
છે. ખુદ શિક્ષકોના સંતાનો પણ મોટેભાગે અન્ય ખાનગી નિશાળોમાં અભ્યાસ કરતાં હોય છે. સરકારી
શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા તથા સગવડો બંનેની સતત ફરિયાદ રહે છે. સરકાર ગુણોત્સવ
નામે કાર્યક્રમ ચલાવે છે પણ વિશેષ ફરક પડ્યાના અહેવાલ નથી. શાળાઓમાં જે વિવિધ
જાતિ-વર્ગના બાળકો ભણતા હતા તે વિવિધતા ખાસ્સી ઘટી ગઈ છે. હીરામણી, ડિવાઈન ચાઈલ્ડ
કે આનંદ નીકેતન જેવી સ્કુલોમાં એક જ આર્થિક વર્ગના અને મહદઅંશે એક જ પ્રકારના
સામાજિક સ્તરવાળા બાળકો સાથે ભણે છે. અમીર, મધ્યમ અને ગરીબ વર્ગની નિશાળો જાણે અલગ
જ હોય તેવો માહોલ છે. શિક્ષણની સર્વસમાવેશકની ભૂમિકા કંઇક અંશે ખોરંભાય છે અને
તેને પરિણામે સામજિક સમરસતાનું લક્ષ્ય દૂર ને દૂર જતું ભાસે છે. Heterogeneity જે ભારતીય સમાજની પાયાની ખુબી છે તે શાળા જીવનમાંથી લુપ્ત થઇ રહી છે. તેની
સીધી અસરો સમાજજીવન પર પડવાની છે. અસમાન શિક્ષણની અસર રોજગારી મેળવવાની તકો પર પણ
પડે છે. કેટલીક ઊંચી ફી લેતી શાળા-કૉલેજો (દા.ત નિરમા, અંબાણી કે પી.ડી.પી.યુ.આઈ,
આઈ.આઈ.ટી વગેરે) વ્યવસાયિક ધોરણે કામ કરતી હોવાથી તેમના વિદ્યાર્થીઓની Employability
પણ નિખરે છે પરિણામે તે વિદ્યાર્થીઓને નોકરી-રોજગારી મેળવવામાં ઓછી તકલીફ પડે છે.
સમાન મેરીટ ધરાવતા બે વિદ્યાર્થી આર્થિક કારણોસર જુદી જુદી કૉલેજ પસંદ કરે છે અને
આખરે તેમની નોકરી-રોજગારીની તકો પર અસર પડે છે. બદલાતા સમાજની તાસીર આપણી
શાળા-કોલેજોમાં પ્રતિબિંબિત થાય છે અને એ પ્રતિબિંબ વધુને વધુ કદરૂપું બની રહ્યું
છે.
- ઇલીયાસ મનસુરી (ઊંઝા)
Hello I am Rohit Vyas, student of M.A. English at department of English, Maharaja Krishnakumarsinhji Bhavnagar University.
ReplyDeleteI am also writing blog posts, if you wish, Click Here to visit my blogs.
Thanks for this blog it's informative and really thoughtful keep it up sir 🙏
ReplyDeleteGood luck