એલીનોર ઝેલીયટ (Eleanor Zelliot)
એલીનોર ઝેલીયટ
એલીનોર ઝેલીયટ, ગુસ્થર સોઇન્થેમર, એન ફેલ્હોસ, ગેઈલ ઓમ્વેત,લી સ્લેલીન્ગર,
સ્ટેવર્ટ ગોર્ડોન, ક્રિસ્ટોફર જેફર્લે અને જેમ્સ લેઈન જેવા અનેક વિદેશી વિદ્વાનોએ
મહારાષ્ટ્ર, ડૉ. આંબેડકર અને દલિત ચળવળ પર સઘન અભ્યાસ કર્યો છે. અહીં આ લેખમાં એલીનોર
ઝેલીયટના આ પ્રકારના અભ્યાસને તપાસવાનો ઉપક્રમ છે.
૧૯૨૬માં અમેરીકાના ડેસ મોઈન્સમાં જન્મેલા એલીનોર ઝેલીયટ બચપણથી જ અભ્યાસ માટે ભારે
લગાવ ધરાવતાં હતાં. ૧૯૪૮માં વિલિયમ પેન કૉલેજમાંથી તેમણે બી.એ. કર્યું અને ૧૯૪૯માં
બ્રિન માવર કૉલેજમાંથી ઈતિહાસ વિષય સાથે એમ.એ.નો અભ્યાસ પૂરો કર્યો. ૧૯૫૨ થી ૧૯૫૫ દરમ્યાન
દુનિયાના અનેક દેશોમાં ફર્યા. ૧૯૫૨ તેઓ પ્રથમવાર ભારત આવ્યાં. ભારતની વૈવિધ્યપૂર્ણ
સંસ્કૃતિ અને સમાજની જટીલતા તેમને મોહક લાગ્યાં. ભારત અને ભારતીય સંસ્કૃતિ વિશેના
વાંચન દરમિયાન ડૉ. આંબેડકરનું નામ વારંવાર આવવાથી તેઓ સહજ રીતે જ ડૉ.આંબેડકર વિશે વધુ
જાણવા પ્રેરાયા. એટલું જ નહિ,૧૯૬૩માં પોતાના પીએચ.ડીના સંશોધન માટે ‘ડૉ.આંબેડકર
અને દલિત ચળવળ (મહાર ચળવળ)’ વિષય પસંદ કર્યો અને આ અંગેના અભ્યાસ માટે તેઓ દીર્ઘ
કાલપર્યંત ભારતમાં રહ્યા. વિશેષ કરી મહારાષ્ટ્રના
દલિત લેખકો અને દલિત આંદોલનોના સીધા સંપર્કમાં આવ્યા. ૧૯૬૯માં પેનીસીલ્વેનીયા
યુનિવર્સીટીમાંથી પીએચ.ડી પૂર્ણ કર્યું. પરંતુ ડૉ. આંબેડકર અને દલિત આંદોલનની પકડ
તેમના મન પર સજ્જડ રહી. પોતાના પીએચ.ડી શોધનિબંધનું પ્રકાશન વર્ષો સુધી ન કર્યું
અને સતત સંશોધન પ્રવૃતિમાં લાગેલા રહ્યાં. અમેરિકાની કાર્લેટન કૉલેજમાં ઇતિહાસના
અધ્યાપન કાર્યની સાથે સાથે સંશોધન કાર્ય ચાલુ રાખ્યું. ૧૯૬૩,૧૯૭૫ અને ૨૦૦૦ દરમ્યાન
જુદાજુદા ફેલોશીપ પ્રોગ્રામ હેઠળ તેઓ સતત ભારતમાં આવન-જાવન કરતા રહ્યાં. આ સમય
દરમિયાન તેઓએ બુદ્ધીઝમ, મહાર ચળવળ અને દલિત સંતો પર અનેક શોધપત્રો લખ્યા. ડૉ.
આંબેડકર પર સંશોધન કરનાર તેઓ પ્રથમ અમેરિકન હતાં.
એલીનોર ઝેલીયટે દક્ષિણ-પૂર્વ એશિયા, એશિયાની સ્ત્રીઓ, વિયેતનામ, દલિતો અને
તેમની સામાજિક ચળવળો પર સઘન અભ્યાસ કર્યો છે. અમેરિકાની કાર્લેટન કોલેજમાં દક્ષિણ
એશિયાના અભ્યાસક્રમ શરૂ કરવામાં તેમનું યોગદાન નોધપાત્ર રહ્યું છે. ડૉ. આંબેડકરની
સંઘર્ષમય સામાજિક અને રાજકીય જીવનગાથાથી પ્રભાવિત થયેલાં ઝેલીયટે પોતાની સમગ્ર
એકેડેમિક કેરિયર દલિત ચળવળના અભ્યાસ પાછળ ખર્ચી અને ૮૦ જેટલા સંશોધનપત્રો દુનિયાની
જુદીજુદી યુનિવર્સીટીઓમાં રજુ કર્યા. ભારતમાં દલિત સમાજના પ્રશ્નો, દલિત આંદોલનો
અને એમાં ડૉ. આંબેડકરની મહત્વપૂર્ણ ભૂમિકા વિશેની જાણકારી સમસ્ત વિશ્વ સુધી
પહોચાડી.
ડૉ. આંબેડકર ‘એક વિચાર’ તરીકે કેવી રીતે ભારતમાં પ્રસ્થાપિત થયા અને તેમની
સંઘર્ષમય જીવનયાત્રા સમગ્ર દલિત સમાજ માટે તથા બૃહદ ભારત માટે કેવી રીતે ઉદાહરણરૂપ
અને અનુકરણીય બની રહી તેનો વિમર્શ રજૂ કરતા અનેક ગ્રંથો એલીનોર ઝેલીયટે આપ્યા છે. તેમના
મુખ્ય ગ્રંથો ()The
Experience of Hinduism ()
From Untouchable to Dalit :
Essays on the Ambedkar Movement (3) Untouchable
Saints, an Indian Phenomenon અને (4) Ambedkar’s World: The Making of
Babasaheb and the Dalit Movement. ઝેલીયટ
ડૉ. આંબેડકરના જીવનના ત્રણ મુખ્ય પાસાઓ આપણી સમક્ષ મુકે છે. (૧) ડૉ.આંબેડકરનું
નેતૃત્વ (૨) તેમના અમેરિકાના અનુભવો (૩) દલિત ચળવળ. ઝેલીયટ જણાવેછે કે ડૉ.આંબેડકરે
પોતાના જીવન દરમિયાન ત્રણ મહત્વની ભૂમિકાઓ અદા કરી – (૧) મહાર જાતિના નેતા (૨)
સમગ્ર દલિત સમાજના પ્રવક્તા (૩) રાષ્ટ્રીય નેતા. પ્રથમ ભૂમિકામાં તેઓ સમસ્ત મહાર
લોકોના રાહબર તરીકે ઉભરી આવ્યા. ૧૯૨૦ના અરસાથી લઇ મૃત્યુ પર્યંત સુધી તેઓ મહાર
સમાજ માટે પોતીકા મસીહા બની રહ્યા. ૧૯૩૦ બાદ તેમની સક્રિયતાએ તેમને સમગ્ર દલિત
સમાજના પ્રવક્તા તરીકે પ્રસ્થાપિત કર્યાં. તેમનું કાર્યક્ષેત્ર મહારાષ્ટ્ર પુરતુ
મર્યાદિત ન રહેતા તેઓ સમગ્ર દેશના દલિત સમાજના પ્રતિનિધિ બની રહ્યા, બૃહદ ભારતના
વંચિતોની વાચા બન્યા. બ્રિટીશ સરકાર અને કોંગ્રેસ સમક્ષ દલિત સમાજના પ્રશ્નોને તેમણે
અભ્યાસપૂર્વક રજુ કર્યાં અને દબાયેલા-કચડાયેલા લોકોની મુક્તિ માટે ઐતિહાસિક કાર્ય
કર્યું. ત્રીજી ભૂમિકા એક દીર્ઘ દ્રષ્ટિ ધરાવતા રાષ્ટ્રીય નેતાની રહી. ભારતના
વિકાસમાં, તેના બંધારણની રચનામાં અને મજૂરોના સવાલોના નિરાકરણમાં તેઓએ પ્રમુખ
યોગદાન આપ્યું. ઝેલીયટ ડૉ. આંબેડકરના આ દરેક પાસની ગહન ચર્ચા પોતાના પુસ્તકમાં કરે
છે. ઝેલીયટ નોધે છે કે બંધારણ સર્વગ્રાહી બની રહે તે ખાતર બાબાસાહેબે પોતાના
કેટલાક આગ્રહો સાથે સમજપૂર્વકનું સમાધાન પણ કર્યું. બંધારણને પોતાની દક્ષ અને
કુશાગ્ર બુધ્ધિ થકી અને અભ્યાસુ દલીલો દ્વારા મંજૂર પણ કરાવ્યું. ઝેલીયટ નોધે છે
કે ગાંધી અને નેહરુની સાથે સાથે ડૉ. આંબેડકરે ભારતના વિચાર (Idea of India)ને આકાર આપવાનું ઐતિહાસિક
કાર્ય કર્યું.
ડૉ.આંબેડકરના અમેરિકાના
અનુભવો વિશે લખતાં ઝેલીયટ જણાવે છે કે તે સમયે બહુ ઓછા લોકો ભારતથી અમેરિકા અભ્યાસ
હેતુ જતા હતા. જાહેર જીવનના મહત્વના વ્યક્તિઓમાં જયપ્રકાશ નારાયણ, એસ.પ્રતાપસિંહ
કૈરોન(પંજાબના ભૂતપૂર્વ મુખ્યમંત્રી) અને ડૉ. આંબેડકરે અમેરિકા અભ્યાસ કરેલો.
ડૉ.આંબેડકરે પોતાના અમેરિકાના રોકાણ દરમિયાન (૧૯૧૩-૧૯૧૬) એક મહત્વપૂર્ણ વિચારને
મજબૂત કરેલો તે હતો લોકશાહી પ્રત્યેની પ્રતિબધ્ધતા. અમેરિકાના રોકાણ દરમિયાન
બાબાસાહેબના મન અને મસ્તિકમાં ભારતની સામાજિક અને આર્થિક બાબતોની ફિકર હંમેશ રહ્યા
કરતી. જે સમયે તે કોલંબિયા યુનિવર્સીટીમાં હતા તે સમય કોલંબિયા યુનિવર્સીટીનો
સુવર્ણયુગ હતો. વીસમી સદીના અમેરિકાને રાહ આપનારા કેટલાક મહાન વિચારકો
યુનિવર્સીટીના વિદ્વાન અધ્યાપકો હતા. જોહન ડેવી, જેમ્સ શોટ્વેલ, એડવીન સેલીગમેન,
જેમ્સ હાર્વી રોબીન્સન, ફ્રેન્કલીન ગીડીગ્સન, એલેક્સઝાન્ડર ગોલ્ડવેઈજર જેવા અનેક
મહાન વિચારકો ડૉ આંબેડકરના અધ્યાપકો હતા. એડવીન સેલીગમેન માર્ગદર્શન હેઠળ તેઓએ
અર્થશાસ્ત્ર(Evolution of Provincial Finance in British
India) વિષયમાં પીએચ.ડી કર્યું. સામ્રાજ્યવાદી બ્રિટીશ શાસનમાં
ભારતને કેવું આર્થિક નુકસાન થઇ રહ્યું છે તેની વિગતે ચર્ચા તેમણે કરી. તેમનું
બીજું એક શોધપત્ર જે વિશેષ વંચાયું અને ચર્ચાયું તે હતું “ Castes in India : Their Mechanism, Genesis and Development”.પ્રો. ગોલ્ડવેઈજરે
યોજેલા એક પરિસંવાદમાં તેમણે આ પેપર રજુ કર્યું હતું. નૃવંશશાસ્ત્ર અને
સમાજશાસ્ત્રના પધ્ધતિસરના અભ્યાસે તેમના પર વિશેષ અસર છોડી હતી. કદાચ તેથી જ તેમણે
સિદ્ધાર્થ કૉલેજમાં સમાજશાસ્ત્રનો વિભાગ શરૂ કર્યો હતો. તે સમયે સમાજશાસ્ત્ર વિષય
ભારતની કૉલેજોમાં ભાગ્યે જ ભણાવવામાં આવતો હતો. તદઉપરાંત, ડૉ. આંબેડકરે અમેરિકાની
સામાજિક રાજકીય પરિસ્થિતિને નજદીકતાથી જોઈ. અમેરિકામાં આઈરીશ, ઇટાલીયન અને યહુદી
સમૂહો એક પ્રકારનું રાજકીય દબાણ ઉભું કરી સત્તામાં પોતાની ભાગીદારી અંકે કરતાં
હતાં. ડૉ આંબેડકરે પણ ભારતની સાંસ્કૃતિક એકતાની સપાટી નીચે ચાલતી રાજકીય પ્રક્રિયાને
નીરખી અને દલિત સમાજના વ્યાજબી સવાલોને વાચા આપી એક સજ્જડ રાજકીય દબાણ ઉભું
કર્યું. પરિણામ સ્વરૂપે સમાજના મહત્વપૂર્ણ પ્રશ્ન- અસ્પૃશ્યતા નિવારણને બળ મળ્યું
અને સમાજને અમુક અંશે રાજકીય પ્રતિનિધિત્વ પણ મળ્યું.
ઝેલીયટ
નોધે છે કે ડૉ. આંબેડકર પોતાના લખાણોમાં અમેરિકન નીગ્રો અને ભારતીય દલિતોના સવાલો
વચ્ચે કોઈ વિશેષ સામ્યતા જોતા નથી. અમેરિકામાં નીગ્રો લોકો સાથેનો અન્યાયપૂર્ણ
વ્યવહાર તે વંશીય ધરાતલ પર આધારિત છે. ભારતમાં સવર્ણોનો દલિતો સાથેનો અન્યાયી
વ્યવહાર આ વંશીય પાયા વાળો નથી. દલિતો આદિ-દ્રવિડો હતા તેમ માનવાનો ડૉ. આંબેડકર
ઇન્કાર કરે છે. મહાત્મા ફૂલેથી બાબાસાહેબ અહી જુદા પડે છે. જ્યોતિબા ‘આદિ-દ્રવિડ’
થીયરીને મહત્વ આપતા હતા. ડૉ. આંબેડકર માને છે કે દલિતો અને બીજા ભારતીયો એક સમાન
વંશીય પૃષ્ઠભૂમિ ધરાવે છે. ઝેલીયટ નોધે છે કે ડૉ. આંબેડકર અબ્રાહમ લિંકનની
ગુલામી-મુક્તિ ચળવળને સામાજિક કરતા રાજકીય વધુ હતી તેમ માનતા હતા. તેઓ નીગ્રો ચળવળ
પાછળ રાજકીય ગણિતનો ઇન્કાર નથી કરતા. “ગાંધી અને કોંગ્રેસે અશ્પૃશ્યો માટે શું
કર્યું?” પુસ્તકમાં તેઓ ગાંધીજીને લિંકન સાથે સરખાવતા લખે છે કે બંને એ દેશની એકતાને
જાળવી રાખવાની રાજકીય ફરજના ભાગરૂપે ગુલામી-મુક્તિ કે અસ્પૃશ્યતા નિવારણના આંદોલનો
ચલાવ્યા. ડૉ. આંબેડકર જ્યોતિબા કરતા અહી જુદા પડે છે. જ્યોતીબાએ નીગ્રો આંદોલનોથી પ્રભાવિત
થઇ પોતાનું પુસ્તક “ગુલામગીરી” અમેરિકામાં નીગ્રો ચળવળ ચલાવનારાને સમર્પિત કર્યું
હતું. જ્યોતિબા ચળવળ પાછળના રાજકીય હેતુઓને જોવામાં કઈક અંશે નિષ્ફળ ગયા હતા. ડૉ.
આંબેડકરના લિંકન વિશેના તારણને આજે અનેક અમેરિકન વિદ્વાનો સમર્થન આપે છે. ડૉ
આંબેડકર કોઈ બાહય પ્રભાવમાં આવ્યા વગર ચળવળના જુદાજુદા પાસાઓનું બખૂબી પૃથ્થકરણ
કરતા હતા. આમ, ઝેલીયટના મત મુજબ અમેરિકાના અનુભવોએ ડૉ આંબેડકરને ભારતની રાજકીય અને
સામાજિક પરિસ્થિતિને સમજવામાં ખાસ્સી મદદ કરી હતી.
ઝેલીયટે
પોતાના પીએચ.ડી સંશોધનનું પુસ્તક “ડૉ. આંબેડકરનું વિશ્વ” છેક ૨૦૦૪માં પ્રકાશિત
કર્યું. આ પુસ્તક ધનંજય કીરના પુસ્તક “ડૉ. આંબેડકર: જીવન અને કાર્ય” ની હરોળમાં
મુકી શકાય તેવું અભ્યાસાત્મક અને વિવેચનાત્મક છે. મહાર સમાજના ઈતિહાસથી લઇ, ડૉ.
આંબેડકરમાંથી બાબાસાહેબ બન્યા અને તેમના અંતિમ દિવસોની મનોવ્યથા સુધીની સઘળી
યાત્રાને અહી જુદાજુદા પરિપ્રેક્ષ્યમાં વાચકો સમક્ષ મુકી છે અને ડૉ. આંબેડકરના
જીવનના કેટલાક વણખેડાયેલા પાસાઓને પણ દસ્તાવેજી પુરાવા સાથે રજુ કર્યાં છે.
ઝેલીયટનું
બીજું મહત્વનું પ્રદાન છે તે તેમને મુલ્કરાજ આનંદ સાથે આપેલો મરાઠી દલિત સાહિત્યનો
અનુવાદ- “An Anthology of Dalit Literature”. તેમના અન્ય પુસ્તકો “The Experience of Hinduism” અને “Untouchable Saints” આપણને દલિત સમાજના ધાર્મિક અધ્યાત્મિક
વિશ્વની સફર કરાવે છે તથા સમયે-સમયે દલિત સંતોએ સમાજમાં પ્રવર્તી રહેલ અન્યાય અને
અસમાનતાનો સામનો કરવા જે માર્ગદર્શન અને દર્શન આપ્યું તેની વિગતે ચર્ચા કરે છે.
સતત
પચાસ વર્ષ સુધી તેઓએ પશ્ચિમના જગતને ડૉ. આંબેડકર અને દલિત ચળવળ વિશે અવગત
કરાવ્યું. અનેક વિદ્યાર્થીઓને તેમણે આ અભ્યાસ માટે પ્રેર્યા. ઝેલીયટ ૨૦૧૬માં
૮૯વર્ષની ઉંમરે મિનેસોટા ખાતે મૃત્યુ પામ્યા. આનંદ તેલતુંબડે ઝેલીયટને શ્રદ્ધાંજલિ
આપતાં કહે છે કે “ પશ્ચિમના વિશ્વને ડૉ.આંબેડકર અને દલિત ચળવળનો પરિચય કરાવવાનું
શ્રેય એલીનોર ઝેલીયટને જાય છે. તેમની પ્રતિબદ્ધતા અને સામજિક ન્યાયની પ્રબળ ઝંખનાએ
તેમને આ સંશોધનો કરવા પ્રેર્યા હતાં. તેમના સંશોધનો અને તેમની નોખી સંશોધનપદ્ધતિ
જિજ્ઞાસુઓને હંમેશા મદદ કરતાં રહેશે.”
ઝેલીયટ
પોતાના છેલ્લા વર્ષોમાં કેનોન નદી કિનારેના પોતાના નિવાસે રહેતાં હતાં. અનેક
મુલાકાતીઓ અને જીજ્ઞાસુ વિદ્યાર્થીઓને તેઓ ભારત, ડૉ.આંબેડકર અને દલિતચળવળની કહાની
કહેતાં અને દેશવિદેશના વંચિતો માટે કંઇક કરી છૂટવાની પ્રેરણા આપતાં. ઝેલીયટનું
જીવન એક પ્રતિબદ્ધ વિદ્યાર્થી, શિક્ષક અને સંશોધકનું રહ્યું. ભારતના વર્તમાન દલિત આંદોલનોમાં
તેમનું યોગદાન અવશ્ય નોધપાત્ર ગણી શકાય.
-------

Comments
Post a Comment